વસોના દાવડા ગામે કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠલવાતા પોલીસ ફરિયાદ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વસોના દાવડા ગામે કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠલવાતા પોલીસ ફરિયાદ 1 - image


- કાપડના ગેરકાયદે પ્રોસેસિંગ હાઉસનું પાણી ઠલવાતું હતું

- દુષિત પાણી છોડનાર અમદાવાદના ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી

નડિયાદ : વસો તાલુકાના દાવડા ગામની સીમમાંથી ગેરકાયદે પ્રોસેસ હાઉસમાં કાપડના તાકા કેમીકલ યુક્ત પાણીમાં ધોઈને આ દૂષિત પાણી ઝારોલ તળાવમાં ઠાલવવામાં આવતું હતું. આ દુષિત પાણી છોડનાર અમદાવાદના ઈસમ સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ખેડા પોલીસના માણસો વસો પંથકમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારે બાતમીદારથી બાતમી મળેલ કે દાવડા ગામની સીમમાં ગેરકાયદે પ્રોસેસ હાઉસ ધમધમે છે. આ પ્રોસેસ હાઉસના દૂષિત પાણીનો નિકાલ તળાવમાં કરવામાં આવે છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જયદીપ શનાભાઈ ડામોર મળી આવ્યો હતો. 

પોલીસે તેને સાથે રાખી તપાસ કરતા ત્રણ શેડમાં સફેદ કાપડના રોલને પ્રોસેસ કરવા માટેના મશીનો હતા. આ પ્રોસેસમાં નીકળતું દૂષિત પાણી એક ચોકડીમાં એકઠું થઇ ત્યાંથી જમીનની નીચે નાખેલી પાઇપ લાઇન મારફતે ઝારોલ ગામના તળાવમાં છોડવામા આવતું હોવાની હકીકત જોવા મળી હતી. 

ત્યાર બાદ પોલીસે તુરંત જ એફએસએલ અને ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડના અધિકારીને બોલાવી તપાસ આદરી હતી. ત્યારે શેડમાં બે બોઈલર મશીનો દ્વારા કાપડના તાકાનુ પ્રોસેસ કરી નીકળતા પાણીનો નિકાલ અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ઝારોલ ગામના તળાવમાં કરાતો હોવાની હકીકત બહાર આવી હતી. 

આ તળાવના પાણીના સેમ્પલો લેવાતા આ પાણી દૂષિત હોવાનું જણાઇ આવ્યું હતું. ખેતરની દેખરેખ કરતા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ જીવાણી (રહે. નડિયાદ)એ પોલીસ સમક્ષ જણાવેલ કે ખેતરના માલિક દિલીપભાઈ પટેલે અમદાવાદ ખાતે રહેતા પીરમહોમદ રમજાનભાઈ શેખને ભાડા કરારથી આ ત્રણેય શેડ  આપ્યા હતા.  આ ત્રણેય શેડમાં પીરમહમદ શેખ (રહે. દાણીલીમડા, અમદાવાદ)એ ગેરકાયદેસર રીતે પ્રોસેસ હાઉસ બનાવી કાપડના તાકાઓને  કેમીકલ યુક્ત પાણીમાં ધોઈ દુષિત પાણીને તળાવમાં છોડતા હતા. આ બનાવ સંદર્ભે એસઓજી પોલીસે પીર મહોમદ શેખ સામે વસો પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News