ઠાસરા પાલિકા વિસ્તારમાં મંજૂરી વગર ગેસલાઈનના ખોદકામથી લોકો પરેશાન
- પીવાની અને ગટરની લાઈનો તૂટી જતા ગંદકી ફેલાઈ
- મંજૂરી નહીં મેળવ્યાનો તંત્રનો દાવો : મંજૂરી વગરનું ખોદકામ બંધ કરવા ઉપપ્રમુખે ખાનગી ગેસ કંપનીને જાણ પણ કરી
નગરપાલિકા વિસ્તારના સેનેટરી વિભાગને વિશ્વાસમાં લીધા વગર ગમે ત્યાં ખોદકામ કરાતા ગટરની લાઈન અને પીવાની પાઇપ લાઈન તૂટીને પાણી બહાર આવતા ગંદકી થઈ રહી છે. ચોમાસાની સિઝન આવતી હોવાથી ખોદકામના લીધે નગરજનોને હાડમારી ઉભી થાય એમ છે. જેના લીધે અત્યારે ખોદકામ મંજૂરી લીધા વગર થઈ રહ્યું છે તે બંધ કરી નવેસરથી મંજૂરી મેળવવા ઠાસરા નગરપાલિકાના ઉપ પ્રમુખ ભાવિનભાઈ પટેલે ખાનગી ગેસ કંપનીને આ બાબતે લેખિતમાં જણાવ્યું છે.
ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થના રાઠોડે આ બાબતે જણાવ્યું હતું કે, ઠાસરા નગરપાલિકા પાસે ખોદકામ કરવાની મંજૂરી લીધી હોય એ મારાં જાણમાં નથી તેમ જણાવ્યું છે.
નગરમાં આવતા જતા વાહન ચાલકો આ ખોદાયેલા ખાડામાં પડે ત્યારે વાહનોને આર્થિક નુકસાન વેઠવા સાથે ચાલકોને શારીરિક ઇજાઓ ભોગવવી પડે છે. ત્યારે આ હાલાકી માટે જવાબદાર કોણ એવા અનેક સવાલો નગરજનો ઉઠાવી રહ્યા છે.