નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે રસ્તો ઓળંગતા રાહદારીનું મોત
- અકસ્માતમાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા
નડિયાદ : નડિયાદમાં હાઇવે ક્રોસ કરતા એક વ્યક્તિ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ-ડુમરાલ એપ્રોચ રોડ પર રહેતા બક્સિસ અજીમુલ્લાહ દિવાનને તા.૨૨ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે ફોન આવ્યો હતો કે તેમના ભાઈ શાહબુદ્દીનને હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તે ઘટનાસ્થળે બેભાન હાલતમાં પડયા છે. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે આજુબાજુના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસીને શાહબુદ્દીનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બક્સિસ દિવાનની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.