Get The App

નડિયાદ-વસો તરફની બસના ધાંધિયાથી મુસાફરો પરેશાન

Updated: Sep 23rd, 2022

GS TEAM


Google News
Google News
નડિયાદ-વસો તરફની બસના ધાંધિયાથી મુસાફરો પરેશાન 1 - image


- વસો તાલુકા મથક હોવા છતાં એસટી બસની અપૂરતી સુવિધા

- એક સાથે આગળ પાછળ ઉપડતી બસના કારણે મુશ્કેલી : એક બસ 7 કલાકે દોડાવવા માગણી

નડિયાદ : નડિયાદથી વસો તરફ જતી સાંજની બસ છેલ્લા ઘણા સમયથી અનિયમિતપણે દોડતી હોવાથી મુસાફરો હેરાન પરેશાન થઇ ગયાં છે. ત્યારે સાંજના સુમારે આઉટ ડેપોની બસને બદલે નડિયાદ ડેપોની બસનું સંચાલન કરવા તેમજ સાત કલાકની એક બસ દોડાવવા માગણી ઉઠી છે.

નડિયાદથી ૧૦ કિ.મી.ના અંતરે તાલુકા મથક વસો આવેલુ છે. વસો તાલુકા મથક હોવા છતાં એસટી બસની પૂરતી સુવિધા ન હોય ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. નડીયાદ થી વસોની સાંજના ૬થ૪૫ કલાકની બસ ઘણા સમયથી અનિયમિત દોડે છે. આ બસ અન્ય ડેપોની હોય આગળથી મોડી આવતી હોય અનિયમિત રીતે ઉપડે છે. તેમજ છાશવારે બસ રદ કરવામાં આવે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા આઉટ ડેપોને બદલે નડિયાદ ડેપોની બસ સાંજે વસો તરફ દોડાવવા આયોજન કરવા લાગણી વ્યાપી છે. આ અંગે અવાર નવાર એસ.ટી.તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં વસો પંથકના મુસાફરોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે સાંજના સમયે ધોધબા ખાંધલી દેથલી તેમજ ખેડબ્રહ્માથી વસો તરફની બસ નડિયાદથી આ બંને બસો આગળ પાછળ ઉપડે છે. જે પૈકીે નડિયાદથી ઉપડતી પાવાગઢ ધોધબા કે ખેડબ્રહ્મા પૈકી એક બસનો સમય ૬-૪૫ ના બદલી સાંજના ૭ વાગે કરવામાં આવે તો વસો મથકના મુસાફરોને ઘણી રાહત થાય તેમ છે. કારણ કે રાત્રીના આઠ વાગ્યા પહેલાં એક પણ બસની સુવિધા નથી. ત્યારે બસના સમયમાં ફેરફાર કરવામાં આવે તો એસટી ની આવકમાં પણ વધારો થાય તેમ છે. 

સાંજના સમયની બસના ધાંધિયાથી પાસ હોલ્ડર મુસાફરોને પાસ હોવા છતાં ખાનગી સટલિયા વાહનોમાં વધારાનું ભાડું ચૂકવી અવર જવર કરવાની ફરજ પડે છે. બીજી બાજુ એસ. ટી.તંત્રના અણઘડ વહીવટના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે. એસટી બસને નિયમિતપણે દોડાવવા તેમજ બસના સમયમાં ફેરફાર કરી એક બસને સાંજના સાત વાગે દોડાવવા મુસાફરોમાંથી માંગણી ઉઠવા પામી છે.

Tags :