વણોતી ગામમાં ઓવરબ્રિજનું કામ ખોરંભે પડતા 12 ગામોને હાલાકી
- એજન્સી અને તંત્રના વાંકે લોકોને હેરાનગતિ
- ચોમાસા દરમિયાન શેઢી નદીમાં પાણી આવતા 12 ગામના લોકોને 4 કિ.મી. ફરીને ડાકોર જવું પડશે
ચોમાસા દરમ્યાન શેઢી નદીમાં પાણી આવતા ૧૦થી ૧૨ ગામાના રહીશોને ડાકોર જવા માટે ૩ કિલોમીટર ફરીને ડાકોર જવું પડશે. આ બાબતે વણોતીના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ડાકોર વણોતી ગામ વચ્ચે શેઢી નદી ઉપર પુલ આવેલો છે, જે નદીમાં ચોમાસા દરમ્યાન પાણી પુલ નિચાણવાળો હોવાથી તેમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જે મંાગણીને ધ્યાને રાખી જિલ્લા માર્ગ મકાન વિભાગની ટેન્ડર પ્રક્રિયા બાદ જ્યોતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદની એજન્સીને આશરે સવા બે કરોડ ઉપરની રકમનું ટેન્ડર લાગ્યું હતું. તે કામ નિયમો અનુસાર ના થતા એજન્સીને જિલ્લા પંચાયત ડાકોરના ડેપ્યુટી એન્જીનીયર દ્વારા નોટિસ બાદ બ્લેક લિસ્ટેડ કરી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ એજન્સી અને તંત્રના વાંકે વણોતીથી ડાકોર અવર જવર માટે ૧૦થી ૧૨ ગામના ગ્રામજનોને ચોમાસા દરમ્યાન ૩ કિલોમીટરનું અંતર ફરીને કાપવાનો વારો આવ્યો છે.આ બાબતે ડાકોર જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જીનીયરે જણાવ્યું હતું કે, જ્યોતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની અમદાવાદની એજન્સીને બ્લેક લિસ્ટેડ કરેલી છે અને તે કામનું રિ-ટેન્ડર કરીને અધૂરું કામ પૂર્ણ કરવામાં આવશે. તેવું તેમણે જણાવ્યું હતું.