Get The App

વીમા કંપનીએ કપાત કરેલા 1.22 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
વીમા કંપનીએ કપાત કરેલા 1.22 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ 1 - image


- રખિયાલના વ્યક્તિએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી

- ઓપરેશન માટે પોલીસીધારકના 3.50 લાખના ક્લેઈમ સામે 2.45 લાખ જ ચૂકવ્યા 

ડાકોર : ઠાસરાના રખિયાલમાં રહેતા વીમા પોલીસીધારકે ઓપરેશન માટે રૂ.૩.૫૦ લાખના ખર્ચનો ક્લેઈમ કરતા નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીએ રૂ.૨.૪૫ લાખ ચુકવ્યા હતા. જેથી પોલીસીધારકે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ વીમા કંપનીએ કપાત કરેલી રૂ.૧.૨૨ લાખ રકમ પોલીસીધારકને વ્યાજ સાથે એક માસમાં ચુકવવા હુકમ કર્યો છે. 

રખિયાલ ગામે રહેતા ચંદ્રકાન્તભાઈ ઈશ્વરભાઈ પટેલે નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની નડિયાદ શાખામાંથી નેશનલ પરિવાર ફ્લોટર પોલીસી લીધી હતી. ફેબુ્રઆરી ૨૦૨૨માં તેમને છાતીમાં દુઃખાવો થતાં આણંદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું.  જેના સારવારના ખર્ચ રૂા.૩.૫૦ લાખનો ક્લેઈમ વીમા કંપનીમાં કરતા વિપુલ મેડીકોર્પ ઈન્સ. ટીપીએ પ્રા.લિ.,  વડોદરા દ્વારા ક્વેરી લેટર મોકલતા ચંદ્રકાંતભાઈએ હોસ્પિટલ પાસેથી લેટર મેળવી મોકલી આપ્યો હતો. બાદમાં વિમા કંપનીએ તા.૨૫ માર્ચ, ૨૦૨૨ના રોજ તેમના બેંક ખાતામાં રૂા.૨.૪૫ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના રૂા.૧.૨૨ લાખ કપાત કર્યા અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી ચંદ્રકાન્તભાઈએ તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ખેડા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નડિયાદમાં ફરિયાદ કરી હતી.

 કોર્ટે તમામ પુરાવા, દલીલો ધ્યાને લઈ વિમા કંપનીએ મનસ્વી રીતે અને એક તરફી ક્લેઈમ સેટલમેન્ટ કરી અનૈતિક વેપાર પદ્ધતિ અપનાવી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરેલો હોવાનું જણાયું હતું. આ કેસમાં ફરિયાદીને રૂ. ૧.૨૨ લાખ અરજી કર્યા તારીખથી વ્યાજ સાથે એક માસમાં ચુકવવા અને માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના રૂ.૩ હજાર ચુકવવા કંપનીને હુકમ કર્યો હતો. 


Google NewsGoogle News