તારાપુરનો આકાશી નક્શો મેળવવા ડ્રોન દ્વારા કામગીરી હાથ ધરાઇ
- જીપીએસડીપી હેઠળ કામગીરી હાથ ધરાઈ
- ડ્રોન દ્વારા એક મિનિટમાં 45 ફોટા લેવાઈ રહ્યા છે
તારાપુર : મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ જીપીએસડીપી હેઠળ ભારતમાંથી કુલ ૩૪ ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતની પસંદગી થયેલી હોય જે અંતર્ગત હાલમાં ત્રણ દિવસથી તારાપુર ગામનો આકાશી નક્શો મેળવવા ડ્રોન દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. ડ્રોન દ્વારા એક મિનિટમાં ૪૫ ફોટા લેવાઈ રહ્યા છે. જીપીએસડીપી પ્રોગ્રામ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રયાસો દ્વારા ભવિષ્યના પાસાઓ તથા પડકારોને આવરી લઈ તારાપુર ગ્રામ પંચાયતની આયોજિત વૃદ્ધિ કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ ૧૭ જેટલી પાર્ટનર પ્લાનિંગ અને આકટેક્ટ ઈન્સ્ટીટયુટ જેવી કે, એસપીએ, સેપ્ટ, એનઆઈટી, આઈઆઈટી વિવિધ સર્વેક્ષણો હાથ ધરાશે.
તારાપુર ગ્રામ પંચાયતની ભૌગોલિક, વ્યવસાયિક, સામાજિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં તથા આગામી ૧૦-૨૦ વર્ષના આયામોને તેમજ વિવિધ જરૂરિયાતોને રજૂ કરવા સુઆયોજિત વિકાસ માટે તબક્કાવાર (વર્ષ વાર) પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં તળાવનું કાયાકલ્પ, હવેલીનું પુનઃસ્થાપન, નિચાણવાળા વિસ્તારો અને ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહ કરવો, સોલાર સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, પંચાયત ડેવલોપમેન્ટ ઇન્ડેક્સમાં ગ્રામ પંચાયતના એસડીજીની ૯ થીમને આવરી લેવામાં આવે તથા નિવાસી વસ્તીની જીવનની ગુણવત્તામાં વધારો કરવામાં મદદરૂપ થશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.