ઠાસરામાં આયુષ્યમાન કાર્ડની કામગીરી ખોરવાઇ, 66 ગામના લોકો પરેશાન
- સર્વર ડાઉન થતા 70 થી વધુ અરજદારોને ધક્કો પડયો
- વારંવાર સર્વર ઠપ રહેતા અરજદારોમાં ભારે આક્રોશ, ધક્કા ખાવા લોકો મજબૂર
ઠાસરા તાલુકા પંચાયત કચેરીમાં ઘણા સમયથી આયુષ્યમાન કાર્ડની ઓફિસ કાર્યરક્ત છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે તમામ સુવિધાઓ આપવામાં આવી છે. ઠાસરા તાલુકાના ૬૬ ગ્રામપંચાયતના રહીશો આયુષ્યમાન કાર્ડ કઢાવવા ઠાસરા કચેરીએ આવતા હોય છે, પરંતુ ૨/૭/૨૦૨૪ના દિવસથી આયુષ્યમાન કચેરીનું સર્વર બંધ હોવાથી ૬૬ ગ્રામપંચાયતના રહીશો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. વારંવાર સર્વર બંધ હોવાની ફરિયાદો જિલ્લા કચેરી સુધી કરવામાં આવી રહી છે પરંતુ તેનું નિવારણ લાવવા માટે આળસ દાખવતા રહીશો હેરાન પરેશાન થવા સાથે આર્થિક નુકસાની વેઠવા મજબૂર બની રહ્યા છે.
ઠાસરાના રહીશનો દીકરો ખૂબ બીમાર હોવાથી તેનું ઓપરેશન કરાવવા આયુષ્યમાન કાર્ડની ત્વરિત જરૂર હોવા છતાં સર્વરના વાંકે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા બને તેવી સ્થિતિ ઉભી થઈ છે. એના સીવાય પણ તાલુકા ભરમાંથી ૬૦થી ૭૦ જેટલા રહીશો એક અઠવાડિયાથી સર્વર ચાલુ થવાની રાહ જોઈને તાલુકા મથક ઠાસરા આવી બેસી રાહ જોઈ સરકારની સેવાઓની ઉપેક્ષા કરી વિલા મોઢે પાછા જઈ રહ્યા છે.
આ બાબતે જિલ્લા પ્રોગ્રામ અધિકારી મેહુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી સર્વર બાબતે સમગ્ર ગુજરાતમાં અપડેટિંગનું કામ ચાલુ હોવાથી આખા ગુજરાતમાં બંધ હોવાનું તેમણે કબૂલ્યું હતું. પણ અરજદારને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ નહીં મળતા હેરાનગતિ થઈ રહી હોવાના સવાલ અંગે તેઓ કશું કહેવા તૈયાર નથી. ત્યારે હાલ તો કચેરીએ સર્વર બંધ હોવાના પાટિયા લટકી રહ્યા છે.