2 બાઇક સામસામે અથડાતા એકનું મોત, 4 ઈજાગ્રસ્ત
- મહેમદાવાદના સિહુજ- દોલપુરા રોડ ઉપર અકસ્માત
- નડિયાદ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો યુવક પત્ની અને 3 દીકરીને લઈ રૂદણ બહેનના ઘરે જતો હતો
નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા દસ વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા મનીષકુમાર શર્મા પત્ની ભાવીકાબેન તેમજ પરિવાર સાથે નડિયાદ રૂલર પોલીસ લાઈનમાં રહે છે. શનિવારે સાંજે મનીષકુમાર તેમની બહેન આરતીના ઘરે રુદણ જવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ પત્ની તેમજ ત્રણ દીકરીઓને મોટરસાયકલ પર બેસાડી સિંહુજ ચોકડીથી રુદણ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રીના ૮.૩૦ વાગ્યાના સુમારે દોલપુરા સીમ નજીક અકલાચા તરફથી પુર ઝડપે આવેલી મોટરસાયકલ ધડાકાભેર બાઇક સાથે અથડાતા બાઈક ચાલક સહિત પાંચેય જણા રોડ પર પટકાયા હતા. જેમાં મનીષકુમારને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી જ્યારે દીકરીઓને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે સામાવાળા બાઈક ચાલકને કોઈ ઇજા થઈ ન હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ બોલાવી ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક મનીષકુમાર શર્માને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે મનીષકુમાર કિરીટભાઈ શર્મા ઉંમર આશરે ૩૫ વર્ષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ભાવિકાબેન મનીષકુમાર શર્માની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.