ડાકોર મંદિરમાં ઠાકોરજીને એક કરોડની દિવાળી બોણી
- શામળિયાજીએ શાકભાજી, ફળ-ડ્રાયફ્રૂટ સહિતની સામગ્રીનો પરંપરાગત વેપાર કર્યો
ડાકોર : લોકવાયકા અને માન્યતા મુજબ ઠાકોરજીના ચોપડે જેનું નામ લખાવ્યું હોય તેના વેપાર ધંધામાં મંદી આવતી નથી અને આરોગ્ય સારું રહે છે. જેના કારણે સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી પણ દિવાળીની ભક્તોએ એક કરોડ ઉપરની બોણી લખાવી હતી.
દિવાળીનો તહેવાર ગુરૂવારે ઉત્સાહ અને ઉમંગ સાથે ડાકોર મંદિરમાં ઉજવાયો હતો. જેમાં ડાકોરના શામળિયા શેઠના દર્શનમાં હજારો ભક્તો ઉમટયા હતા. જે દર્શનને હાટડીના દર્શનનું નામ આપવામાં આવે છે. દિવાળી બોણી લખવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. આશરે એક કરોડ ઉપરની ભેટ કાલે ડાકોર મંદિરના ચોપડે ભક્તોએ લખાવી હતી. સાવરે મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. જે ચોપડામાં બોણી લખાવવા ભક્તો પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઠાકોરજીએ શાકભાજી ફળફ્રૂટ ડ્રાયયફ્રૂટ અને અન્ય સામગ્રીનો પરંપરા મુજબ વેપાર કર્યો હતો. ભક્તોએ દિવાળીના દિવસે ડાકોર મંદિરમાં ઠાકોરજીના અલંકારીઝરીના સ્વેતવો અને કિંમતી આભૂષણોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.