ખેડામાં દોઢ ઇંચ, મહેમદાવાદ, માતરમાં એક ઇંચ વરસાદ પડયો
- શુક્રવારે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
- નડિયાદમાં અડધા ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
આ સાથે જ જિલ્લામાં સાર્વત્રિક અડધો ઈંચ વરસાદ પડયો હતો.બીજીતરફ જિલ્લાના વરસાદની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં મળી સાર્વત્રિક ૧૨ મીમી વરસાદ શુક્રવારની સાંજે ૬ વાગ્યા સુધી નોંધાયો છે અને તાલુકાદીઠ આંકડા જોતા આજે કપડવંજમાં ૧ મીમી, કઠલાલમાં ૪ મીમી, મહેમદાવાદમાં ૨૫ મીમી, ખેડામાં ૩૫ મીમી, માતરમાં ૨૨ મીમી, નડિયાદમાં ૧૦ મીમી, મહુધામાં ૬ મીમી, ઠાસરામાં ૫ મીમી, ગળતેશ્વરમાં ૧મીમી અને વસોમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. નડિયાદ શહેરમાં આજે ૧૦ મીમી એટલે કે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઢળતી સાંજે એકાએક મેઘરાજાનું આગમન થયુ હતુ અને માત્ર એકાદ કલાકમાં જ વરસાદી ઝાપટુ પડયુ હતુ, જે દરમિયાન શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી રેલાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ધીમો થતો હોય, બજાર વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ તરફ ભાવસારવાડ, ડુમરાલ બજાર, ડભાણ ભાગોળ, ઘોડિયા બજાર, સલુણ બજાર, અમદાવાદી બજાર સહિતના આંતરીક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાથે સાથે ચારેક દિવસથી નહીવત વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ સર્જાયો હતો અને બફારાના કારણે લોકો ત્રાહી ત્રાહી પોકારી ગયા હતા. આજે શુક્રવારે તો બપોરના સમયે તાપ નીકળ્યો હતો અને બફારાનું પ્રમાણ વધ્યુ હતુ. જો કે, અચાનક મેઘરાજાએ સાંજે એન્ટ્રી કરી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.