નવાપુરાથી રેલવે ફાટક નં.૩૮ જવાના રસ્તા પર દીવાલ ચણી દેતા હાલાકી
- ઠાસરા તાલુકાના વણોતી ગામના પેટા ગામ
- રસ્તો બંધ થઈ જતા 108 સહિતનો વાહન વ્યવહારને મુશ્કેલી : રસ્તા પરનું દબાણ દૂર કરવા આવેદનપત્ર અપાયું
ઠાસરા તાલુકાના વણોતી ગામના પેટા ગામ નવાપુરા રેલવેની પાર ગામ છે. ત્યારે અત્યારે આણંદથી ગોધરા વચ્ચે રેલવેનું ડબલ લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી નવાપુરાથી રેલવે ફાટક નંબર ૩૮ સુધી જવા આવવા માટેના રસ્તા ઉપર રેલવેએ આરસીસીની દીવાલ બનાવી દીધી છે. જેથી ગ્રામજનોને ૩૮ નંબર સુધી જવા આવવા માટે કોઈ જ બીજો રસ્તો નહીં હોવાથી હાલાકી પડી રહી છે. પેટા ગામના ગ્રામજનોને કોઈ બીમાર પડે તો ગામ સુધી ૧૦૮ એબ્યુલેન્સ આવી શકે તેમ નથી. કોઈના મરણ વખતે નનામી ઉંચકીને લઇ જવાય તેમ પણ નથી. લગ્ન પ્રસંગમાં મંડપ કે અન્ય સામગ્રી પણ લઇ જઈ શકાય તેમ નથી. પ્રસૂતાને દવાખાના સુધી લઇ જઈ શકાય તેમ પણ નથી. ત્યારે જ્યાંથી જવાય એવું છે તે રસ્તા પર દબાણ થયેલું હોવાથી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવીને રસ્તો ખુલ્લો કરી આપવા ઠાસરાના મામલતદાર અને ઠાસરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને આજે બપોરે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.