ઓસ્ટ્રેલિયામાં નોકરીના બહાને આણંદના એજન્ટે રૂ. 54.44 લાખ પડાવી લીધા
- બીલીમોરાના 2 યુવાન સાથે છેતરપિંડી
- હું ઓસ્ટ્રેલિયાનો પીઆર છું, તમને સ્પોન્સર્સ પણ કરીશ કહી કૃણાલ પટેલે બીલીમોરાના બે જણાને છેતર્યા
બીલીમોરા : બીલીમોરાના બે યુવાનોને ઓસ્ટ્રેલિયામાં નોકરી અપાવવાના બહાને કુલ રૂ.૫૪.૪૪ લાખ પડાવી ખોટા દસ્તાવેજો પધરાવી દઈ છેતરપિંડી કરનાર આણંદના એજન્ટ સામે ભોગ બનનારા યુવાને પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીલીમોરાના બજાર સ્ટ્રીટમાં રહેતા અને સેલવાસની ખાનગી કંપનીમાં પ્રોડક્શન સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નિકુંજ ધનસુખભાઈ ધીવર (ઉ.વ.૩૪) અને તેનો મિત્ર સૌરભ નટુભાઈ પટેલ (રહે. વાઘરેચ, બીલીમોરા)એ વિદેશમાં જઈને નોકરી કરવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેમણે ઓક્ટોબર-૨૦૨૨માં કેનેડા ખાતે રહેતા મિત્ર મનીષ મિસ્ત્રીની સલાહ લીધી હતી. તેણે તેમને જણાવ્યું કે વર્ક-પરમીટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં કાયમી નોકરી મળી શકે છે. તેના માટે તેણે વડોદરામાં સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ચલાવતી એક મહિલાનો નંબર આપ્યો હતો. જે તમને ગાઈડન્સ આપશે એવું જણાવ્યું હતું. આથી બંને મિત્રોએ મહિલાને પોતાના પાનકાર્ડ, આધારકાર્ડ, ડિગ્રી સર્ટિફિકેટ્સ તથા અનુભવનું સર્ટિફિકેટ્સ ઈ-મેલ દ્વારા મોકલાવ્યું હતું. આ મહિલાએ તેમને આણંદ જિલ્લાના સારસા ગામે રહેતા કૃણાલ હસમુખભાઈ પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, કૃણાલ એ ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો છે. તમારી ફાઈલનો તમામ વ્યવહાર જેમ કે વિઝા, ઈન્સ્યોરન્સ, રેસીડેન્સ, મેડિકલ વગેરેનું કામ કરશે અને પૈસાનો વ્યવહાર પણ તમારે તેની સાથે જ કરવાનો રહેશે. આથી બંને મિત્રોએ કૃણાલ પટેલને ફોન કરી ઓસ્ટ્રેલિયા જવા અંગે વાત કહેતા તેણે કહ્યું હતું કે હું પોતે જ ઓસ્ટ્રેલિયાની એલસ્ટોમ નામની કંપનીમાં ભલામણ કરી તમારી નોકરી લગાવી આપીશ. હું ઓસ્ટ્રેલિયાનો પી.આર. છું એટલે તમને સ્પોન્સર્સ પણ કરીશ. એવી વાતો કહી કૃણાલે તમે મને પેપર્સ તૈયાર કરવા માટે જે રૂપિયા આપશો તે તમને હું વિઝા આવે એટલે તમારા એકાઉન્ટમાં પાછા આપી દઈશ. આ વાતમાં ફસાઈને બંને મિત્રોએ ટુકડે-ટુકડા કુલ રૂ.૫૪.૪૪ લાખની રકમ આપી હતી. જે દરમિયાન કૃણાલે તેમને મુંબઈથી મેલબોર્ન જવાની એરટિકિટ કન્ફર્મ થઈ છે. એવો ઈ-મેલ કર્યો હતો. ત્યાર બાદ તા.૧-૨-૨૦૨૩ના રોજ જોબ કન્ફર્મેશન લેટર પણ ઈ-મેલથી મોકલ્યો હતો અને બંનેએ દિલ્હી ઈમીગ્રેશનમાં સ્ટેમ્પિંગ માટે ઓફિસર જ્યોતિન્દરસિંગને મળવા જવાનું કહ્યું હતું. ત્યારે બંને મિત્રોએ પણ દિલ્હી આવીએ એવું કહેતા કૃણાલે તેમને ઈમીગ્રેશન માટે દિલ્હી જવાનું કેન્સલ થયું હોવાનો મેલ કર્યો હતો. તેમના વર્તણુક પરથી શંકા જતા બંને જણાએ ઈમીગ્રેશનમાં તપાસ કરતા જ્યોતિન્દરસિંગ નામનો કોઈ વ્યક્તિ અહીં નથી! ત્યાર બાદ વધુ તપાસમાં ઓસ્ટ્રેલિયાનો વિઝાગ્રાન્ટ લેટર, જોબ કન્ફર્મેશન લેટર, રેસીડેન્સી ટેન્ડેન્સી એગ્રીમેન્ટ વગેરે બોગસ ડોક્યુમેન્ટ કૃણાલે બનાવીને ઈ-મેલ કર્યા હતા. પોતાના રૂપિયા પરત માંગતા વાયદાઓ કરી ઉડાઉ જવાબો આપતા કંટાળી જઈને બંને મિત્રોએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કૃણાલ હસમુખભાઈ પટેલ (રહે. સારસા-૧૨૩૪, માયા શેરી, તા.જિ.આણંદ) વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા નોકરી અપાવવાના બહાને રૂ. ૫૪.૪૪ લાખ પડાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.