દેવ દિવાળી નિમિત્તે નડિયાદ સંતરામ મંદિર હજારો દીવડાથી ઝગમગી ઉઠશે
- ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના પટ સાંજે 5.25 થી 6.30 સુધી બંધ રહેશે
નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીની ઉજવણી મંદિરના મહંત રામદાસજી મહારાજની ઉપસ્થિતિમા કરવામાં આવશે. મંગળવારે સાંજે સંતરામ મંદિરના શિખરથી લઈને પરિસર તથા સર્કલ સુધી હજારો દીવડાવો પ્રગટાવવામાં આવશે. દેવ દિવાળી પર્વની ઉજવણી માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સ્વયંસેવકો સહિત હજારો શ્રદ્ધાળુઓ હાજર રહેશે. આ પર્વ પ્રસંગે વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. અગિયારસથી પૂનમ સુધી ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. આ પર્વ નિમિત્તે મંદિર પરિષદ જય મહારાજના ભક્તોના નાદથી ગુંજી ઉઠશે. દેવ દિવાળીની સાંજે વર્ષોની પરંપરા મુજબ એક લાખ ઉપરાંત દીવાઓ પ્રગટાવવામાં આવે છે. મંદિર પરિષદમાં લોખંડની એંગલો પર દીવાઓથી જય મહારાજ લખી સજાવટ કરવામાં આવે છે. દેવ દિવાળી નિમિત્તે સંતરામ ડેરી ખાતે પણ દીપમાળાથી સજાવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી નિમિત્તે મંગળવારે ચંદ્ર ગ્રહણનું સૂતક રહેશે. ભારતમાં ચંદ્રગ્રહણનો સમય સાંજે ૪.૨૩ થી ૬.૧૯ વાગ્યા સુધીનો છે. ચંદ્રગ્રહણ ના સુતકાળ દરમિયાન તમામ મંદિરો બંધ રહે છે.
કારતક પૂનમ દેવ દિવાળી નિમિત્તે ચંદ્રગ્રહણ હાવાથી સંતરામ મંદિરના દરવાજા સાંજના ૫.૨૫ થી ૬.૩૦ સુધી બંધ રહેશે અને સાજે ૬.૩૦ પછી મંદિરના દરવાજા ખોલવામાં આવશે.
દેવ દિવાળી નિમિત્તે સંતરામ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડશે.