કપડવંજમાં પાણીની નવી લાઈનનું કામ 30 દિવસમાં પૂર્ણ કરવા સૂચના
- પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો
- કેનાલથી મુખ્ય પમ્પિંગ સ્ટેશન સુધીની પાઈપલાઈનના કાર્યને પ્રાધાન્ય આપવા અધિકારીને આદેશ અપાયો
કપડવંજમાં પીવાના પાણીની વર્ષો જૂની તકલીફ હતી અને દિવસે દિવસે રહેણાંક વિસ્તાર, સોસાયટી અને મકાનો વધતા જતા હોવાથી પાણીની અનિયમિતતા અને અપૂરતા પ્રમાણમાં સપ્લાયની સમસ્યા વધી છે.
જેના કાયમી ઉકેલ માટે કપડવંજ નગર સેવા સદન પાણી પુરવઠા દ્વારા નર્મદા કેનાલથી મુખ્ય પમ્પિંગ સ્ટેશન સુધી ૫ કિલો મીટર લાંબી નવી ૪૦૦ એમએમ અને ૩૦૦ એમએમની પીવાના પાણીની લાઈનનું કામ ચાલુ છે. પાણી પુરવઠા વિભાગના ચેરમેને આજે મુખ્ય ઇજનેરો અને કોન્ટ્રાકટરને સાથે રાખી નિરિક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જેમાં નગરપાલિકાના ઇજનેરને બધા કામ બાજુ પર મૂકીને નગરજનોને પીવાના પાણીની નિયમિત ઉપલબ્ધતા માટે પ્રાથમિકતાના ધોરણે આ કામ પૂર્ણ કરવા આદેશ અપાયો હતો. પાણીની નવી લાઈન ચાલુ કરવા માટે વધુમાં વધુ ૩૦ દિવસની મહેતલ આપવામાં આવી છે.
વધુમાં ચેરમેનના જણાવ્યા અનુસાર કપડવંજમાં પાણીની તકલીફને જડ મૂળમાંથી પૂરું કરવા સૌપ્રથમ તો પાણીનો અનુસરતો જથ્થો વધુ પ્રમાણમાં શહેરમાં લાવવો પડશે અને તે માટે તેઓ નવી પાણીની લાઇનને પ્રાધાન્યતા આપવા એકસન પ્લાનથી કાર્યનો આરંભ કરી દીધો છે.