ટ્રાફિક સમસ્યા નિવારવા કપડવંજ શહેરમાં 80 દબાણકર્તાને નોટિસ
- 7 દિવસમાં દબાણો દૂર નહીં કરાય તો તંત્ર બુલડોઝર ફેરવશે
કપડવંજ : કપડવંજ ખાતે દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ત્યારે પી ડબ્લ્યૂ ડી વિભાગ દ્વારા ૮૦ દબાણકર્તાઓને ૭ દિવસમાં દબાણો દૂર કરવા નોટિસ ફટકારાઈ છે. જો તેમ નહીં કરાય તો તમામ દબાણો તંત્ર દ્વારા દૂર કરાશે.
કપડવંજ ખાતે વધતા જતા વાહનોના આડેધડ પાકગ તેમજ કાયમી ધોરણે અડિંગો જમાવી બેઠેલા કાચા- પાકા ગેરકાયદે બાંધકામો વધતી જતા ટ્રાફિક સમસ્યા દિવસે અને દિવસે વકરી રહી છે. ત્યારે હવે સરકાર દબાણ હટાવ ઝુંબેશ હેઠળ કાચા પાકા ગેરકાયદે બાંધકામો દબાણ દુર કરવા પ્રતિબદ્ધ બન્યું છે. ત્યારે પી ડબલ્યુ ડી વિભાગ હોય કે પછી નગરપાલિકા સરકારની રોડ રસ્તા ખુલ્લા કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે કપડવંજ પી ડબ્લ્યુ ડી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ગેરકાયદે રીતે કાચા- પાકા દબાણો દૂર કરવા ૮૦ દબાણકર્તાઓએ ૭ દિવસમાં સ્વૈચ્છિક સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી. જો તેમ નહીં કરાય તો પોલીસ વિભાગ, નગરપાલિકા તેમજ રેવન્યુ વિભાગના સંયુક્ત રીતે દબાણ હટાવવામાં આવશે.