ખેડા અને આણંદ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી
- લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી નવા વર્ષની શરૂઆત કરી
- ઘરને સજાવી આંગણે રંગોળી બનાવી, દિવસ દરમિયાન સગા, પડોશી અને મિત્રોના ત્યાં જઈ શુભેચ્છાઓ પાઠવી, રાતે આતશબાજી યોજાઈ : ડાકોર, સંતરામ મંદિર સહિતના યાત્રાધામોમાં ભક્તોનો ધસારો રહ્યો
ખેડા અને આણંદ જિલ્લામાં તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોકોએ દિપાવલીના દિવસની ખાસ ઉજવણી કરી હતી. સવારે ઘર આંગણે રંગોળી પૂરવાથી માંડી અને દિવસ દરમિયાન દારૂખાનું ફોડી લોકોએ આ દિવસને વધાવી લીધો હતો. વેપારી વર્ગ દ્વારા ચોપડા પૂજન કરાયું હતું. આ તરફ તા. ૧ નવેમ્બરના રોજ પડતર દિવસે પણ લોકોએ નવા વર્ષની ખરીદીથી માંડી અન્ય તૈયારીઓ કરી હતી. જે બાદ તા. ૨ નવેમ્બરના રોજ નડિયાદ સહિત ખેડા જિલ્લાભરમાં તેમજ આણંદ જિલ્લામાં વિક્રમ સવંત ૨૦૮૧ના પ્રથમ દિવસ એટલે કે, બેસતા વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી. લોકોએ સવારથી જ ઘરઆંગણે અવનવી રંગોળી બનાવી હતી. નવા કપડાં પહેરી અને સજ્જ થઈ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બેસતા વર્ષના દિવસ બાદ તા. ૩જીને ભાઈબીજ પર્વના દિવસે ભાઈઓ પરિવાર સાથે બહેનના ઘરે જઈને હર્ષભેર દિવસ પસાર કર્યો હતો.
બેસતા વર્ષના દિવસે નડિયાદ શહેરમાં વહેલી સવારે પ્રજાજનો સંતરામ મંદિરના દર્શન કરી નગરજનો તેમજ જિલ્લા વાસીઓ નવા વર્ષને વધાવી લીધું હતું. બેસતા વર્ષના દિવસે નડિયાદ સંતરામ મંદિર ઉપરાંત માઈ મંદિર, અંબા આશ્રમ, ડાકોર રણછોડજી મંદિરમાં દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડયું હતું. નવા વર્ષના તહેવારોને લઈ શહેરના મંદિરો રંગબેરંગી રોશનીથી તેમજ ફૂલોના શણગારથી ઝગમગી ઉઠયા હતા. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.