નડિયાદ રેલવે સ્ટેશનની 500 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
- 80 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાશે
- રેલવે સ્ટેશને ધાર્મિક સ્થળો અને સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓ અંકિત કરાશે
નડિયાદ : કેન્દ્રીય સંચાર રાજયમંત્રીની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આકટેક ઇજનેર દ્વારા પાવર પોઇન્ટ ડેમો - બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. જેમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું છે. નડિયાદ ખેડા જિલ્લાનું અતિ મહત્વનું નગર છે, ત્યારે અંદાજીત રૂ.૫૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે.
નડિયાદનું સંતરામ મંદિર, જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ સહિતના ધામક અને આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરતી ડિઝાઇનને પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં સ્થાન અપાશે. આ ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો રૂ.૮૦ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ પણ બનશે. નડિયાદના નગરજનો અને મુસાફર જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે. નડિયાદનું રેલવે સ્ટેશન શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ બાંધકામમાં આવરી લેવાશે. એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ. આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.