નડિયાદ નગરપાલિકાનું રૂ. 46.60 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર
- બજેટ બેઠક માત્ર 38 સેકન્ડમાં આટોપી લેવાઇ
- ટેક્સની આવક રૂપિયા 27.59 કરોડ, ભાડાંની આવક 5.22 કરોડ, સહાયક અનુદાનની 39.94 ની આવક અંદાજવામાં આવી
નડિયાદ નગરપાલિકાની આજે બજેટ બેઠક મળી હતી. બપોરે ૧૨ કલાકે પાલિકાના હોલમાં આ બેઠક મળી હતી. જેમા પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ સહિત કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ બજેટ બેઠક માત્ર ૩૮ સેકન્ડમાં જ આટોપી લેવાઈ હતી. રૂપિયા ૪૬.૬૦ કરોડનું પુરાંતવાળુ વિકાસસલક્ષી બજેટ માત્ર ૩૫ સેકન્ડમાં જ મંજૂર થયું અને સભા બરખાસ્ત થઈ ગઈ હતી. જો કે, આ સમગ્ર બજેટ બેઠકમાં પ્રમુખ સ્થાને લેવાયેલા કામો ધ્યાનાકર્ષક રહ્યા હતા. પ્રમુખ સ્થાનેથી ૬ કામોની યાદી રજૂ કરવામાં આવી હતી.
જેમાં કારોબારી સમિતીની ભલામણ મુજબ જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદની ગૌશાળા નિભાવણી માટે આવેલી અરજી અન્વયે નિર્ણય થવા બાબત, ફેડરેશન ઓફ સિનિયર કલબ ખેડાની આવેલ અરજી અન્વયે સભાખંડ માટે જગ્યા ઉપયોગ કરવા જરૂરીયાત મુજબ ફાળવવા બાબત, સંતરામ સમાધિ સ્થાન નડિયાદની આવેલ અરજી અન્વયે ટી.પી.નં.૫, અંતિમ ખંડ નં.૧૨૬ વૃધ્ધાશ્રમ તથા ગૌશાળા માટે જગ્યા ફાળવી આપવા બાબત, શેલ્ટર હોમ માટે નગર રચના યોજના નં. ૫(નડિયાદ)ના અંતિમખંડ નં. ૧૧૯ વાળી જમીન ફાળવી આપવા બાબત અને ઈમ્પેકટ ફીના કાયદાની અમલમાં છે ત્યાં સુધી ડીમોલેશનની કામગીરી મોકુફ રાખવા બાબતનો સમાવેશ કરી મંજૂરી આપી દેવાઈ છે. જો કે, આ બાબતોમાં પ્રથમ જય માનવસેવા પરીવાર ટ્રસ્ટ સાથે હાઈકોર્ટમાં જતા મામલે ચાલી રહેલી કન્ટેમ્પ્ટ પીટીશન દરમિયાન પાલિકાની બેઠકો થઈ હતી. તે સમયે જ ગાયોની નિભાવણી ટ્રસ્ટને આપવાના બદલે એક ખાનગી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો અને ૨-૩ મહિના સુધી ખાનગી વ્યક્તિને નગરપાલિકાના કોન્ટ્રાક્ટમાંથી લ્હાણી કરાઈ હોવાનો સૂર છેડાયો છે.
બજેટની વિગતવાર ચર્ચા કરવી જોઈએ : અપક્ષ કાઉન્સિલર
નડિયાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલરે જણાવ્યું કે, નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને ૪ લાખ ઉપરાંતની વસ્તી છે. ત્યારે ખરેખર તો આ બજેટની વિગતવાર ચર્ચા કરવી જોઈએ. કઈ રકમ ક્યાં આવશે અને ક્યાં ખર્ચ થશે તેની વિગતવાર ચર્ચા કરાય પણ દર વખતની જેમ ગણતરીની સેકન્ડમાં જ આ બજેટ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી છે. જે ભ્રષ્ટાચારને સમર્થન આપે છે.
પાલિકામાં જાવકના સ્ત્રોત
આ સાથે જ બજેટ બેઠકમાં દર્શાવેલી જાવકની ગણતરી કરીએ તો મહેસુલી ખર્ચ રૂપિયા ૫૫.૬૬ કરોડ અંદાજવામાં આવી છે. આવશ્યક સેવા નિર્વહન અને વિકાસ રૂપિયા ૩૬.૫૧ કરોડ, વિકાસ યોજના ગ્રાન્ટ વપરાશ રૂપિયા ૩૭૫.૨૨ કરોડ, દેવું અને જવાબદારીઓ રૂપિયા ૪.૦૭ કરોડ અને અસાધારણ ખર્ચ રૂપિયા ૨૮ કરોડ રૂપિયા અંદાજવામા આવી છે.
નગરપાલિકામાં આવકના સ્ત્રોત
આ બેઠકમાં ઉઘડતી સંભવિત સિલક આવક રૂપિયા ૧૯.૪૯ કરોડ અંદાજવામાં આવી છે. જ્યારે ટેક્સ આવકમાં રૂપિયા ૨૭.૫૯ કરોડ અંદાજવામાં આવ્યા છે. ભાડાની આવકમાં રૂપિયા ૫.૨૨ કરોડ અંદાજવામાં આવી છે. તો ફી આવકમાં રૂપિયા ૪૧.૨૬ કરોડ અંદાજવામાં આવી છે. આ સાથે સહાયક અનુદાનની આવક રૂપિયા ૩૯.૯૪ કરોડ, વિકાસ યોજનાની આવક રૂપિયા ૩૮૦ કરોડ અને અસાધારણ આવક ૬.૭૭ કરોડ અંદાજવામાં આવી છે.