નડિયાદ-મોડાસા રેલવે લાઈન ઇલેક્ટ્રિક બનાવવાની હોવાથી લાંબા સમયથી બંધ
- કઠલાલના ભાનેર ગામે પહેલાં સવારે અને સાંજે ટ્રેન ઉભી રહેતી હતી
- કોરોનાકાળથી બંધ રહેતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો, સત્વરે ટ્રેન શરૂ કરવા લોકમાંગ ઉઠી
કઠલાલ : નડિયાદ-મોડાસા રેલવે લાઈન કોરોના સમયથી બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોરોના પહેલા કઠલાલ તાલુકાના ભાનેર ગામે સવારે ૧૧ વાગ્યે અને સાંજે સાડા સાત વાગ્યે ટ્રેન આવતી હતી. ભાનેર ગામથી પાંચેક કિલોમીટરના અંતરે દશામાતાનું મદિર મીનાવાડા આવેલું છે. દૂર દૂરના વિસ્તારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રેલવેનું ભાડું એસટી બસ કરતા પણ ઓછું હોવાથી તેમજ સુરક્ષિત અને ઝડપી હોવાથી મોટાભાગના સ્થાનિકો અને દર્શનાર્થીઓ ટ્રેન દ્વારા આવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ સરકાર દ્વારા ઇલેકટ્રીક ટ્રેન દોડાવવા માટે રેલવે લાઈનોનું કામ કરવામાં આવી રહ્યું છે. જે લાંબો સમય વીતવા છતાં પૂર્ણ થયું ના હોવાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે. જેમ પ્રથમ વખત ટ્રેન આવી ત્યારે લોકો તેના વધામણા કરવા આવ્યા હતા તેમ જ ઘણા સમયથી ટ્રેનની કાગડોળે રાહ જોનારા લોકોની હાલત થઇ છે.
જયારે વિસ્તારમાં રેલવે લાઈન નાખવામાં આવી હતી ત્યારે સરકારે અનેક ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. તેથી ઇલેક્ટ્રિક લાઈન શરુ થતા ભાનેર સ્ટેશન પર ફરીથી ટ્રેનને ઉભી રાખવામાં આવે તેવી લોકોમાંગ ઉઠી છે.