નડિયાદ શહેરમાં વોર્ડ નં. 3 ફાટકના રસ્તા પર ગંદકી અને કચરાના ઢગ
- સફાઈ કામદારો દ્વારા વિસ્તારમાં ઠલવાતા કચરાથી દુર્ગંધ ફેલાઇ
- ફાટક નજીક રખડતી ગાયો લોકોને શિંગડે ચઢાવતી હોવાથી ભય સાથે અવરજવર કરતા સ્થાનિકો
નડિયાદ શહેરના વોર્ડ નંબર ત્રણમાં નારાયણ નગર, ગાયત્રીનગર તેમજ જય અંબે સોસાયટી સહિત આજુબાજુના રહીશો નારાયણ નગર રેલવે ફાટક પર થઇ અવરજવર કરે છે. ફાટક નો રસ્તો અવરજવરથી ધમધમતો રહે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ગંદકી કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે. જેથી સમગ્ર વિસ્તારમાં નર્કાગાર જેવી બદતર હાલત જાહેર રસ્તા પર જોવા મળે છે. મળતી માહિતી અનુસાર પાલિકાના સફાઈ કામદારો પણ આ ફાટક વિસ્તારમાં કચરો નાખી જતા હોય છે. જેથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ ફાટકના રસ્તા પર ગાયો ટોળે વળી બેઠેલી હોય છે આ રખડતી ગાયો ઘણી વખત અબાલ વૃદ્ધોને શિંગડે ચડાવતી હોય છે. જેથી એકલદોકલ વ્યક્તિ ફાટકના રસ્તા પર ગાયોને જોઈને અવરજવર કરવામાં ડર અનુભવે છે. આ વિસ્તારમાં સફાઈ કામગીરીમાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની લાગણી નાગરિકોમાં વ્યાપી છે. ફાટકનો આ રસ્તો ગંદકી કચરાથી ખદબદતો હોય નગરજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે.
નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફાટકના રસ્તા પરથી ગંદકી કચરાના ઢગલા દૂર કરવા તેમજ ગાયોને ઢોર ડબ્બામાં પુરવા સ્થાનિક રહીશો માંથી માંગણી ઉઠવા પામી છે.