નડિયાદ અને ખેડા તાલુકામાં બપોરે 2 ઈંચ વરસાદ પડયો
- શુક્રવારે 3 તાલુકામાં ઝરમર, 3 કોરાધાકોર
- શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મહેમદાવાદ અને માતરમાં દોઢ ઈંચ વરસાદ
વરસાદી તુએ શ્રાવણ સુધી રંગત જમાવ્યા બાદ ભાદરવે પણ ભરપૂરની સ્થિતિ સર્જી છે. ચાર દિવસની આગાહીના પગલે શુક્રવારે પણ મેઘરાજા ખેડા જિલ્લાના તાલુકાઓમાં મન મૂકીને વરસ્યા હતા. ખાસ તો નડિયાદ અને ખેડા તાલુકામાં ૨-૨ ઈંચ વરસાદ નોંધાયો છે. તો મહેમદાવાદ અને માતરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો છે. આ તરફ કઠલાલ, મહુધા અને વસોમાં સામાન્ય ઝરમર વરસાદ પડયો છે. તો કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વર કોરા ધાકોર રહ્યા છે. નડિયાદ શહેરમાં આજે બપોરે ૨ ઈંચ વરસાદમાં શહેરના નિચાણવાળા સ્ટેશન રોડ, જુના માખણપુરા, વીકેવી રોડ, સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જોકે વરસાદ ઓછો થતા હાલ આ પાણી ઓસરી રહ્યા છે. ઉપરાંત શહેરના ચારેય ગરનાળામાં વરસાદી પાણી ભરાયાં છે. જેના કારણે પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ખેડા જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.