ડાકોરમાં બાકી વેરો ભરવા માટે 1,725 મિલકતધારકોને પાલિકાની અંતિમ નોટિસ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ડાકોરમાં બાકી વેરો ભરવા માટે 1,725 મિલકતધારકોને પાલિકાની અંતિમ નોટિસ 1 - image


- નગર પાલિકામાં 2.65 કરોડના વેરાની વસૂલાત બાકી

- બાકી વેરો જમા નહીં કરવાનાર સામે નગરપાલિકા શિક્ષાત્મક પગલાં લેશે

ડાકોર : ડાકોર નગરપાલિકામાં ગત વર્ષ ૨૦૨૩-૨૪નો રૂ.૨.૬૫ કરોડનો વેરો બાકી છે. જેથી પાલિકાએ બાકી વેરો નહીં ભરનાર ૧,૭૨૫ મિલકત ધારકોને મિલકત વેરો ભરવા નોટિસ ફટકારી છે. તેમજ રૂ.૫ હજારથી વધુ લેણું બાકી પડતું હોય તેવા મિલકત ધારકો ૧૫ દિવસમાં બાકી વેરો પાલિકામાં જમા નહીં કરાવે તો પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ડાકોરમાં ૧,૭૨૫ જેટલા મિલકત ધારકો દ્વારા મિલકત વેરો ભરવામાં નહીં આવતા પાલિકાના વહીવટદાર દ્વારા નોટિસ પાઠવીને બાકી વેરા ભરવા તાકીદ કરવામાં આવી છે. 

જે અંતર્ગત રૂા.૫ હજારથી વધુ લેણું બાકી પડતું હોય તેવા મિલકત ધારકો જો આગામી પંદર દિવસમાં બાકી વેરા નગરપાલિકામાં જમા નહીં કરાવે તો તેમના ડ્રેનેજ કનેક્શન, વોટર કનેક્શન તેમજ મકાન જપ્તી કરવા કરવા સહિતના પગલાં ભરવામાં આવશે તેવું ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસર વાય.જે. ગણાત્રાએ જણાવ્યું છે.

ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં ૧૦,૬૬૪ જેટલી મિલકતો આવેલી છે.જેનો વાર્ષિક મિલકત વેરો ૩ કરોડ ૯૭ લાખ રૂપિયા થવા જાય છે. 

ગત વર્ષ ૨૦૨૩-૨૪નો ડાકોર નગરપાલિકામાં રૂા.૧ કરોડ ૩૨ લાખ વેરો  આવ્યો હતો અને ૨ કરોડ ૬૫ લાખ રૂપિયા બાકી રહ્યો હતો. 

જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ૧,૭૨૫ જેટલા મિલકત ધારકોને નોટિસો આપી પાંચ હજારથી ઉપરાંતનું લેણું બાકી હોય તેવા બાકીદારોને લાલ આંખ કરી બાકી વેરો ભરવા તાકિદ કરવામાં આવી છે. 


Google NewsGoogle News