નડિયાદ અને મહુધામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
- રવિવારે સવારથી અચાનક વાતાવરણ પલટાયું, માવઠું પડયું
- અચાનક વરસાદ થતાં લગ્ન પ્રસંગોની ઉજવણીમાં મુશ્કેલી સર્જાઇ
નડિયાદ : રવિવારે સવારે અચાનક ગાજવીજ સાથે વરસાદ થવા પામ્યો હતો. જેના કારણે તમાકુ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. અચાનક થયેલા કમોસમી વરસાદને કારણે લગ્ન સહિત સામાજિક પ્રસંગોની ઉજવણીમાં બાધા સર્જાઈ હતી.
હવામાન ખાતાની તા.૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ આજે સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થયો છે. ખેડા જિલ્લામાં પણ આજે સવારે દસ વાગ્યાના સુમારે અચાનક વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.
આ વરસાદના કારણે વાતાવરણ ટાઠું બોર થઈ જવા પામ્યું હતું.
લોકોને ઠંડીથી બચવા ગરમ વો કાઢીને પહેરવાની ફરજ પડી હતી. ખેડા જિલ્લામાં ખેડૂતોએ તમાકુ, રાયડો, ચિકોરી, શાકભાજી જેવા રવિ પાકમાં ભારે ખર્ચ કરી વાવેતર કર્યું છે. ત્યાં જ અચાનક ભારે ગાજવીજ સાથે ચોમાસા જેવો વરસાદ થયો હતો.
જેના કારણે નડિયાદ શહેરમાં ચારેય રેલવે ગરનાળા ભરાઈ જવા પામ્યા હતા.
જેથી શહેરના લોકોને પશ્ચિમમાંથી શહેરમાં જવા માટે બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલ પાકને ભારે નુકસાન થવા પામેલ છે.
ખેડૂતોએ તમાકુ સહિતના પાકોનું વાવેતર કર્યાને ગણતરીના દિવસોમાં જ અચાનક કમોસમી વરસાદ થતાં ખેતી પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે.
જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. આ ઉપરાંત રવિવારના દિવસે લગ્ન સહિત સામાજિક તેમજ સ્નેહમિલન કાર્યક્રમોમાં અચાનક થયેલા વરસાદના કારણે બાધા સર્જાઈ હતી.
ખેડા જિલ્લામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા
તાલુકો વરસાદ મિ.મી.
નડિયાદ ૩૯
મહુધા ૨૪
મહેમદાવાદ ૧૦
માતર ૭
કઠલાલ ૭
વસો ૧૩
કપડવંજ ૧૩
ખેડા ૯
ઠાસરા ૧૬
ગળતેશ્વર ૫