ગળતેશ્વર તાલુકાના 60 થી વધુ આરોગ્ય કર્મીઓ પગારથી વંચિત
- દિવાળીના તહેવાર આડે માત્ર એક દિવસ છતાં
- તાલુકા આરોગ્ય વિભાગના કર્મીઓ જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બન્યા હોવાના આક્ષેપ
દિવાળીના તહેવારને હવે માત્ર એક દિવસ બાકી છે. ત્યારે ગળતેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ સહિતના ૬૦થી વધુ કર્મચારીઓ પગારથી વંચિત છે.
મહિનાની અંતિમ તારીખોમાં દિવાળીનો પર્વ હોવાથી કર્મચારીઓને તા.૨૫ની આસપાસ પગાર ચૂકવી દેવા સરકારે ઠરાવ કર્યો છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી વહીવટી અધિકારી ચિરાગ ઠુકરાલ રજા ઉપર છે. તેમનો ચાર્જ મેડિકલ ઓફિસરને સોંપવામાં આવ્યો છે. પરંતુ પગારની બાબત ટલ્લે ચઢી જતાં કર્મચારીઓ હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખેડા જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બની રહ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે.
પરિવારને ખરીદી કરાવવાથી લઈ તમામ તૈયારીઓ માટે નાણાં ખૂટી પડતાં આરોગ્ય કર્મીઓ અવઢવમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક કર્મચારીઓના પગલા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તમામનો પગાર ચૂકવી દેવાયો હોવાનો તંત્રનો દાવો
આરોગ્ય અધિકારી વી.એસ.ધુ્રવે જણાવ્યું હતું કે, પગાર સેન્ટ્રલાઈઝ થાય છે. તમામનો પગાર ચૂકવી દેવાયો છે અને ચેકની તમામ પ્રક્રિયા કરી દેવાઈ હોવાનું ઉમેર્યું હતું. જોકે, જિલ્લા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી પણ ગળતેશ્વર તાલુકાનો પગાર ન થયો હોવાની બાબતથી વાકેફ છે અને કર્મચારીઓને વહેલાસર પગાર ચૂકવી આપવામાં આવશે તેવો વાયદો કર્યો છે.