5 હજારથી વધુ શિક્ષકોએ ખાત્રજ ચોકડી ખાતે મહાપંચાયત યોજી
- ખેડા અને આણંદ જિલ્લા તથા અમદાવાદ ગ્રામ્યના
- પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
અખિલ ભારતીય રાષ્ટ્રીય, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્ય પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા તા.૯ મીએ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા ગુજરાતમાં ઓગસ્ટ ૨૦૨૨ માં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે થયેલા આંદોલન સંદર્ભે સરકાર દ્વારા નિમેલા પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલી ચર્ચા વિચારણા તથા સમાધાન બાદ તા.૧-૪-૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલા શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા એન.પી.એસ.માં શિક્ષક કર્મચારીના ૧૦ ટકા કપાતની સામે સરકારનો ૧૪ ટકા કપાત ફાળો આ બે ઠરાવ આજ દિન સુધી થયેલો નથી. ભૂતકાળમાં આ બાબતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારમાં વિવિધ રજૂઆત બાદ સરકાર દ્વારા આ ઠરાવો ન થતા તથા સંગઠનની માંગ અનુસાર જૂની પેન્શન યોજના પુનઃ લાગુ ન કરાતા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ દરેક જિલ્લાના જિલ્લા કેન્દ્ર પર આ આંદોલન છેડયું હતું. જેના ભાગરૂપે શનિવારે અમદાવાદ ગ્રામ્ય-ખેડા-આણંદ જિલ્લાના અંદાજીત રૂ. ૫ હજારથી વધુ શિક્ષકો મહેમદાવાદના ખાત્રજ ચોકડી ખાતે એકઠા થયા હતા અને પદયાત્રા શરુ કરી મહાપંચાયત સભા યોજી હતી. શિક્ષકોએ સરકાર માગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી છે.