Get The App

બોરસદ તાલુકામાં 450 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
બોરસદ તાલુકામાં 450 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું 1 - image


- પટેલવાડી, સાંઈબાબા મંદિર અને  સૂર્યમંદિર ખાતે લોકોને આશ્રય અપાયો 

બોરસદ તાલુકામાં ફરી મુશળધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ૧૨ ઈંચથી વધુ વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ હતી. વન તળાવ કખા વાદી વિસ્તારના ૨૦૦થી વધુ રહિશોને યુવકો દ્વારા ટ્રેક્ટર અને ટેમ્પામાં બેસાડી બોરસદની પટેલ વાડી અને સાંઈબાબા મંદિરે સ્થળાંતર કરાયું હતું.તેમજ પામોલ રોડ પર આવેલા અક્ષરનગર, રબારીવાસ, બસ સ્ટેન્ડ સહિતના સ્થળેથી ૨૩૦થી વધુ લોકોને સ્થળાંતર કરીને બોરસદના સૂર્યમંદિરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. જ્યાં તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જોકે, સ્થળાંતર કરાયેલા લોકોના કાચા મકાનો, ઝુંપડાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં ઘરવખરી સહિતના માલસામાનને નુક્શાન પહોંચ્યું હતું. 

આણંદ જિલ્લાના 19 માર્ગો બંધ કરાયા 

આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે  જિલ્લાના ૧૯ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં બોરસદ તાલુકાના બોરસદ- અલારસા- કોસીન્દ્રા- કિંખલોડ રોડ, પામોલ-ખડોલ રોડ ઉપર કાંસ છલકાવવાથી રોડ ઉપર મોટા પ્રમાણમાં પાણી આવતા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભાદરણ- વાલવોડ- ગાંજણા રોડ, ભાદરણ- સીસવા- દહેવાણ રોડ, બોરસદ-પામોલ રોડ, કિંખલોડ-ચમારા રોડ, ઉમેટા- સંખ્યાડ રોડ, રાસો- ડાલી રોડ, ખંભાત તાલુકામાં ખંભાત- નગરા- મોતીપુરા- રંગપુરા રોડ, ખંભાત- ગોલાણા રોડ, જીણજ- પાદરા રોડ, કસારી એપ્રોચ રોડ, તારાપુર તાલુકામાં તારાપુર- મોરજ- જીચકા રોડ, ઈસરવાડા- સાંઠ- જલુંધ રોડ, ગલીયાણા- પચેગામ- દુગારી રોડ, પેટલાદ તાલુકામાં દંતાલી- ફાંગણી- ભાટીએલ રોડ, દંતાલી- આશિ રોડ બંધ કરવામાં આવ્યા છે. 

એસટી બસના રૂટો ડાયવર્ટ કરાયા 

આણંદઃ બોરસદ તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. ભાદરણ બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયું હતું. જેથી ગાજણા, ભાદરણ, ગંભીરા, સારોલ, કંકાપુરા, વાલવોડ, ઉમલાવના રૂટો બંધ કરાયા હતા. તેમજ રાસ રૂટ પર ખંભાત બાજૂ જતાં અમિયાદ ધુવારણ તથા વહેરા પાસે તળાવ ફાટતા વેરા- કાવીઠા- પેટલાદ રૂટ બંધ કરાયા હતા. ઉપરાંત નાપા પાસે ગરનાળુ તૂટતા આણંદ જવાના તમામ રૂટ વાયા આસોદર ડાયવર્ટ કરાયા હતા. જ્યારે મિસરાયા, અલારસા પાસે પાણી ભરાઈ જતાં આ રૂટ પરના મોકલાવો, ઉમેટા, વડોદરા જવાના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News