લીંબાસીમાં રાઈસ મીલનો હિસાબ રાખતા મહેતાજીએ જ રૂ. 80 લાખની ઉચાપત કરી
- રાઈસ મીલોના ઓડિટ દરમિયાન કૌભાંડ બહાર આવ્યું
- કર્મચારીએ પિતરાઈ ભાઈ સાથે મળી હિસાબોના ચોપડાઓ અને નાણાકીય વ્યવહારોમાં ચેડા કર્યા : વિશ્વાસઘાત કરનાર મહેતાજી સહિત બે સામે ગુનો
નડિયાદ : માતરના લીંબાસી ગામે રાઈસ મીલના મહેતાજીએ હિસાબોના ચોપડાઓ તથા નાણાકીય વ્યવહારોમાં ચેડા કરી પોતાના પિતરાઈ સાથે મળી મીલમાંથી કુલ રૂ.૮૦,૦૧,૦૦૦ની ઉચાપત કરી હતી. ઓડીટ તપાસમાં સમગ્ર હકિકત સામે આવતા રાઈસ મીલના માલિકે મહેતાજી અને તેના ભાઈ વિરૂદ્ધ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબાસી ગામે રહેતા જીજ્ઞોશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરની માલાવાડા ચોકડી ખાતેે યોગીકૃપા રાઈસ મીલ અને લીંબાસી-વસ્તાણા રોડ પર દિવ્ય રાઈસ મીલ આવેલી છે. તે ખેડૂતો પાસેથી ડાંગર અને ઘઉંની ખરીદી કરી મીલમાં પ્રોસેસ કરી વેચાણ કરે છે. આ મીલના હિસાબી વ્યવહારો અને વેપારીઓ સાથે તમામ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ મહેતાજી કરીકે છેલ્લા ૧૪ વર્ષથી નોકરી કરતા આશીષભાઈ અશોકભાઈ પટેલ (રહે. લીંબાસી) કરે છે. દરમિયાન ગત તા.૩૦ સપ્ટેમ્બરના રોજ જીજ્ઞોશકુમારને તેમની મીલમાં વેચાણ માટે આવતી ડાંગરની પરખ કરતા નસીબમીયાં કુરેશી અને મીલોના હીસાબોનું ઓડીટ કરતા રાજુભાઈ અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે, ગત તા. ૧ માર્ચ ૨૦૨૩થી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના ઓડીટમાં ૨,૬૦૦ ક્વિન્ટલ ડાંગરની ઘટ પડે છે. તેમજ તા.૫ મે ૨૦૨૩થી તા.૨૩ મે ૨૦૨૩ સુધી સ્ટોક પત્રક તથા બીલ ચેક કરતા બીલ બુકમાં યોગી કૃપા નામની બીલ બુક અને નાવ્યા ટ્રેડર્સ બુક જે આશિષભાઈ પોતાની પાસે રાખતા હતા, તેમાં તેમણે બીલ નં.૧ થી ૨૨ ના બીલ મીલમાં આવકમાં લીધા છે. જેમાં આશીષભાઈએ બીલની રકમ રૂ. ૫૬,૮૬,૦૦૦ નાવ્યા ટ્રેડર્સમાં ઓનલાઇન તથા ચેકથી ખોટી રીતે પેમેન્ટ કરેલી છે. જેથી જીજ્ઞોશકુમારે નાવ્યા ટ્રેડર્સના માલિક હાર્દિકભાઈ કિરીટભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યોગી કૃપા રાઈસ મીલમાં કોઈ વેપાર કર્યો નથી પરંતુ આશિષભાઈએ તમારા ખાતામાં ઉપલગ બીલ બનાવ્યા છે, જેની કુલ રકમ રૂ.૫૬.૮૬ લાખ તમારા ખાતામાં આવે તો ઉપાડીને અમને આપજો તેમ જણાવ્યું હતું. જેથી હાર્દિકભાઈએ આ નાણાં જમાં થતાં આશિષભાઈને ચુલવી આપ્યા હતા. બાદમાં મીલ માલિકે હિસાબી ચોપડા ચેક કરતા રૂ.૨૩,૧૫,૦૦૦ની રકમ ઓછી જણાઈ આવી હતી. વધુ તપાસ કરતા આશિષે તેના પિતરાઈ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પટેલ (રહે. માલાવાડા ચોકડી, લીંબાસી) સાથે મળી ખોટી રીતે બિલોમાં મીલના વજન કાંટા પાવતીઓ જોઈન્ટ કરી તેનો સાચા તરીકે હિસાબી ચોપડામાં ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે રાઈસ મીલના માલિકની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે આશિષ અશોકભાઈ પટેલ અને હિરેન પટેલ સામે રૂ.૮૦ લાખની ઉચાપત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.