બી-ઝેડ ગુ્રપ સંચાલિત મૈત્રી ફાઉન્ડેશનમાં મહેમદાવાદ ભાજપના ધારાસભ્ય ટ્રસ્ટી
- ખેડા જિલ્લાના અન્ય લોકો પણ ટ્રસ્ટી હોવાનું ખૂલ્યું
- 6 હજાર કરોડના કૌભાંડમાં બી-ઝેડ ગુ્રપના ફરાર સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાનું ભાજપના નેતા સાથે મેળાપીપણું
બી-ઝેડ ગૃપ દ્વારા ૩ મહિના પહેલાં મૈત્રી ફાઉન્ડેશનની રચના કરી જે બાળકોની ઉંમર ૧૪ વર્ષથી ઓછી હોય, મા-બાપનું છત્ર ન હોય, ઘર ન હોય અને પ્લોટની આકારણી અને રજા ચિઠ્ઠી હોય તેવા બાળકોને મનગમતું ઘર બનાવી આપવાનું અભિયાન શરૂ કર્યું હતું.
તેવામાં બી-ઝેડ ગૃપનું કરોડો રુપિયાનું કૌભાંડ બહાર આવ્યા પછી એકાએક કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ મૈત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર ઉપરાંત અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ તેમજ પલક પટેલ(ગાંધીનગર), કમલેશ પરમાર(અમદાવાદ), કમલેશ ચૌહાણ(હિંમતનગર), ધવલ પટેલ(હિંમતનગર), અશ્વિન પટેલ(હિંમતનગર), અનિલ રોહીત(કાવઠ) વગેરેનો ટ્રસ્ટમાં સમાવેશ થયેલો છે.
મૈત્રી ફાઉન્ડેશનમાં 3 ટ્રાન્જેક્શન થયા હતા : ખજાનચી
બી-ઝેડ ગુ્રપ સાથે સંકળાયેલા મંત્રી ફાઉન્ડેશનના ખજાનચી કપડવંજ તાલુકાના કાવઠ ગામના અનિલભાઈ રોહિતે જણાવ્યું હતું કે, દોઢ મહિના અગાઉ મૈત્રી ફાઉન્ડેશનનું ખાતું ખૂલ્યું હતું. જેમાં ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા. ઉપરાંત હિંમતનગરના ધવલભાઈને તેમના મિત્ર પાસેથી રૂા. ૩.૧૦ લાખ ચેકથી મળેલું ડોનેશન જમા કરાવ્યું હતું.