ઠાસરા શહેરની શાન ગણાતા ટાવરની ઘડિયાળમાં 15 દિવસથી યાંત્રિક ખામી
- ચારેબાજુના ઘડિયાળના કાંટા એક સરખા ચાલતા નથી
- દિવાળી પહેલા રિપેર કરવામાં આવે તેવી રહીશોની માંગ ડિઝીટલ સેટિંગ બદલાયું હોવાથી સમસ્યા સર્જાઈ
નડિયાદ, તા.1 નવેમ્બર 2020, રવિવાર
ઠાસરા નગરની આન બાન અને શાન સમાન ટાવરનુ ઘડિયાળ છેલ્લા ૧૫ દિવસથી કોરોના થયો હોય તેમ બિમાર થઇ ગયુ છે.ટાવરની ચારે બાજુના ઘડિયાળના કાંટા એક સરખા ચાલતા નથી.જેથી ઘડિયાળનુ જે ડીઝીટલ સેટીંગ બદલાઇ ગયુ હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.આ અંગે સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર દ્વારા દિવાળી પહેલા રીપેર કરી ઘડિયાળને ઘબકતુ કરે.
ઠાસરા શહેરની આન બાન અને શાન ગણાતા ટાવર ઘડિયાળની ટીક-ટીક બંધ થઇ ગઇ છે. ટાવરની ચારે બાજુના ઘડિયાળના કાંટા એક સરખા ચાલતા નથી.સમય પ્રમાણે ટકોરા રેગ્યુલર વાગે છે.પરંતુ ટાવર ઘડિયાળની ચારે બાજુના ઘડિયાળના કાંટા અલગ અલગ દેખાય છે જેથી ઘડિયાળનુ ડીઝીટલ સેટીંગ છે તે બદલાઇ ગયુ હોવાનુ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.આ ટાવર ઘડિયાળ દિવાળીના તહેવાર પહેલા ઘડિયાળ ના કાંટા રેગ્યુલર કરાવશે કેમ? તેવા પ્રશ્ન સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઇ રહ્યા છે.
ઠાસરા નગર પાલિકાના વહીવટ કર્તાઓને ટાવરના ઘડિયાળ ઉપર નજર જતી હશે કે નહી તેવુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.ટાવરની સાચવણી અને ટેકનીકલ સાર સંભાળનો પીરીયડ જે તે એજન્સીનો પુરો થયો નથી.તો ટાવરના ઘડિયાળના કાંટા રેગ્યુલર ચાલે તેવી નગર જનોની લોકમાંગણીઉઠી છે.વર્ષોથી અગાઉની કોઇ નગર પાલિકાની બોડીએ ટાવરનુ ઘડિયાળ રીપેર કરાવ્યુ ન હતુ અને ટાવરની ઘડિયાળ વર્ષોથી બંધ હતી.એવા સમયે હાલની પાલિકાના પ્રમુખ દિપકભાઇ રોહિત,ઉપપ્રમુખ ભાવિનભાઇ પટેલ,પાલિકા ચીફઓફીસર ડી. ડી. શ્રીમાળીએ અને પાલિકા સભ્યોએ રસ લઇને કામ કરાવ્યુ હતુ.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી ટાવરની ઘડિયાળમાં કોઇ સમસ્યા ઉભી થઇ છે.અને ટાવરને ફરી રિપેર કરાવવાની માંગ ઉઠી છે.આ અંગે સ્થાનિક નાગરિકોની માંગ છે કે સ્થાનિક તંત્ર ફરી ટાવર ઘડિયાળમાં રસ લઇને દિવાળી પહેલા ઘબકતુ કરે.અને ઘડિયાળ અને ટાવરના મકાનને રોશની કરવામાં આવે તેવી લોક માંગ ઉંઠી છે.