Get The App

ચકલાસી નજીક ટ્રકમાં હેરાફેરી કરાતો રૂ. 58.34 લાખનો દારૂ ઝડપાયો

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ચકલાસી નજીક ટ્રકમાં હેરાફેરી કરાતો રૂ. 58.34 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- મહારાષ્ટ્રના ટ્રક ચાલકની અટકાયત કરી

- દારૂની 22,920 બોટલ સહિત 68.39 લાખનો મુદ્દામાલ કબજે : ડ્રાઈવર સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો

નડિયાદ : ચકલાસી પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી બ્રિજ નજીકથી વિદેશી દારૂ ભરીને જતી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂ રૂ. ૫૮,૩૪,૪૦૦ તેમજ ટ્રક મળી કુલ રૂ. ૬૮,૩૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ચકલાસી પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકનો ડ્રાઇવર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરાથી અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઇવે ઉપરથી જઈ રહ્યો છે. જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. 

આ દરમિયાન એકસપ્રેસ હાઇવે પરથી પસાર થતી ટ્રકને ઉભી રખાવી પોલીસે ચકલાસી ઓવરબ્રિજ નજીક ઉપર રનિંગ સાઈડમાં પાર્કિંગ ઝોનમાં ટ્રક લેવડાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂના બોક્સ નંગ ૧૦૦૬ જેમાં નાની મોટી બોટલો કુલ નંગ ૨૨,૯૨૦ કિંમત રૂ. ૫૮,૩૪,૪૦૦ ની મળી આવી હતી.  જેથી પોલીસે ટ્રક, મોબાઈલ, રોકડા રૂ. ૨૦૦ તથા વાહનને લગત દસ્તાવેજી કાગળો, ખોટી બિલટીના કાગળો મળી કુલ રૂ. ૬૮,૩૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસે ટ્રક ડ્રાઇવરની અટક કરી પુછપરછ કરતા આરોપી રણજીતસીંગ સમીરસીંગ પવાર (રહે. અમૃત ધારા કો.ઓ.હાઉસીંગ સોસાયટી, સેકટર ૧૦, કલમબોલી, રાયગઢ, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. આ રેઇડ દરમિયાન  ટ્રકનો નંબર ઇગુજકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ટ્રકના નંબર સાથે ચેચીસ તથા એન્જીન નંબર ખોટો હોવાનું જણાઇ આવ્યું હતું અને ગાડીના કાગળો તથા ખોટા જીએસટી બીલો મળી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ટ્રકચાલક, ટ્રક માલિક, દારૂ આપનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની નંબરપ્લેટ અને દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં ખુલ્યું 

ચકલાસી એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી. આ ટ્રકના નંબરની ઇ-ગુજકોપ પર તપાસ કરતા ટ્રકની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાયું હતું. આ ઉપરાંત જીએસટી બિલો તેમજ ખોટી બીલટીઓ બનાવેલી મળી આવી હતી. આમ ઠગાઈ કરવાના આશયથી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.


Google NewsGoogle News