પેટલાદમાં મોટા ઉધોગો મૃતપાય હાલતમાં પહોંચ્યા, રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો
- પાયાના પ્રશ્નોને લઇને હજુ પેટલાદવાસીઓ ઝઝૂમી રહ્યા છે
આણંદ: પેટલાદ વિધાનસભા બેઠક આણંદ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. જેમાં પેટલાદ શહેર અને તાલુકાના 39 ગામ અને બોરસદ તાલુકાના 14 ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર 1963થી 13 વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 9 વાર અને ભાજપ, જનતા દળ, સંસ્થા કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષે એક-એક વખત જીત મેળવી છે. છેલ્લી પાંચ ચૂંટણીમાં ચાર વખત કોંગ્રેસના નિરંજન પટેલ જ્યારે એક વખત ભાજપના ઉમેદવાર સી.ડી. પટેલ આ બેઠક પર વિજેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના વિજેતા ઉમેદવાર સી.ડી. પટેલ યાત્રાધામ વિકાસ અને સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હતા. આ બેઠક ઉપર થયેલ 13 ચૂંટણી પૈકી 10 ચૂંટણીઓમાં પાટીદાર ઉમેદવાર વિજેતા થતા પાટીદારા ઉમેદવારનો દબદબો રહ્યો છે. પેટલાદમાં ગાયકવાડ રાજથી ઉપલબ્ધ કરાવાયેલ રેલવેની સુવિધા નાગરિકો માટે આજે પણ આશિર્વાદ સમાન છે. તો બીજી તરફ પેટલાદમાં સ્થપાયેલા મોટા ઉદ્યોગો છેલ્લા ઘણા વર્ષોથી મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચતા રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે.
113 - પેટલાદ
મતદારો - 2,39,302
પુરૃષ |
1,22,018 |
મહિલા |
1,17,177 |
અન્ય |
107 |
મુખ્ય ઉમેદવારો
કમલેશભાઈ પટેલ
ડૉ. પ્રકાશ બુધાભાઈ
અર્જુનભાઈ ભરવાડ
- મતદારોનો મિજાજ
નવા ઉમેદવારો હોવાથી મતદારો વિચારીને મત આપશે
આ બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીઓ પૈકી ચારમાં કોંગ્રેસ તો એકમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોનો ઝુકાવ કોંગ્રેસ પક્ષે જોવા મળતા હાલ બંને પક્ષો સરખી સ્થિતિમાં હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ બેઠક પર નિરંજન પટેલ પાંચ વખત કોંગ્રેસમાંથી જ્યારે એક વખત જનતા દળમાંથી ચૂંટાઈ આવવા સાથે નગરપાલિકામાં પણ સત્તાસ્થાને રહી ચૂક્યા છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ બેઠક પર દબદબો ધરાવતા નિરંજન પટેલને નજરઅંદાજ કરી નવા ચહેરાને તક અપાતા તેની સીધી અસર ચૂંટણી પરિણામ પર થવાની ચર્ચાઓ મતદારોમાં ઉઠી છે. જો કે બંને પક્ષ દ્વારા આ બેઠક ઉપર નવા ચહેરાને તક અપાતા મતદારોને કળવા મુશ્કેલ બનશે.
- લોકોની અપેક્ષા
સિવિલ હોસ્પિટલને આધુનિક
બનાવવાની માંગણી
પેટલાદમાં આવેલ સિવિલ હોસ્પિટલને આધુનિક તથા સુવિધાસજ્જ કરવા સાથે પૂરતો મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવાય તેવું નાગરિકો ઈચ્છી રહ્યાં છે. પેટલાદ જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો છેલ્લા કેટલાક સમયથી મૃતઃપ્રાય અવસ્થામાં છે. જેને ધમધમતા કરવા માટે યોગ્ય કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવાય તો રોજગારીની તકો વધે અને વેપારમાં વૃધ્ધિ થવાનો આશાવાદ નાગરિકો સેવે છે. સાથે સાથે પેટલાદ-નડિયાદ રોડ પર આવેલ ઓવરબ્રીજનું ખોરંભે પડેલ કામ પુનઃ શરૃ કરી વહેલીતકે પૂર્ણ કરાય તેમ મતદારો ઈચ્છી રહ્યાં છે.
- પરિવહન અને રોજગારીનો અભાવ, ઓવરબ્રિજનું અધુરુ કામ મોટી સમસ્યા
વિસ્તારની સમસ્યા
પેટલાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓ ન હોવા સાથે અપૂરતા સ્ટાફને લઈ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે નડિયાદ-પેટલાદ રોડ ઉપર બની રહેલ ઓવરબ્રીજનું કામ અધૂરુ છોડી દેવાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરના બસ મથક સામે આવેલ ફાટક અત્યંત સાંકડો હોઈ અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. તો બીજી તરફ પેટલાદ જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો બસ સહિત અન્ય કનેક્ટીવીટી ઓછી હોવાને કારણે મંદીની ઝપેટમાં આવતા હાલ મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચ્યા છે. જેને લઈ શહેરીજનોને રોજગારી માટે અન્ય વિસ્તારોમાં જવાનો વારો આવતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે આર્થિક ઉપાર્જન પર સીધી અસર પડી રહી છે.
- ચાર ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત થઇ છે, વર્ષે 2002માં ભાજપનો વિજય થયો હતા
રાજકીય સ્થિતિ
આ બેઠક પર છેલ્લી પાંચમાંથી ચાર ચૂંટણીઓમાં કોંગ્રેસે પંજો જમાવતા દબદબો રહ્યો છે. જો કે વર્ષ-2002માં એક વખત આ બેઠક પર ભાજપે બાજી મારી હતી. આ બેઠક ઉપર પાટીદાર ઉમેદવારનાં પ્રભુત્વ વચ્ચે કોંગ્રેસે છેલ્લી ત્રણ ટર્મથી વિજયરથ પર સવાર એવા પાટીદાર ઉમેદવારને નજરઅંદાજ કરી નવા ચહેરાને તક આપતા પરિણામ પર તેની અસર પહોંચી શકે છે. તો બીજી તરફ આ બેઠક ઉપર ભાજપે નવા ચહેરા તરીકે પાટીદાર ઉમેદવારને તક આપી છે. શહેરી વિસ્તારમાં ભાજપ તરફે ઝુકાવ સામે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો સિક્કો મજબૂત હોવાનું ચિત્ર જોતા હાલ આ બેઠક પર કોંગ્રેસ કે ભાજપ પૈકી કોણ બાજી મારશે તે કળવું મુશ્કેલ છે. જો કે છેલ્લી ત્રણ ચૂંટણી દરમ્યાન આ બેઠક પર કોંગ્રેસે બાજી મારી હતી જેમાં છેલ્લી બે ચૂંટણી દરમ્યાન વિજેતા મતની સરસાઈ દસ હજાર મતથી વધુ રહેવા પામી છે. જ્યારે સ્થાનિક રાજકારણની સ્થિતિ જોઈએ તો પેટલાદ નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી ભાજપ સત્તાસ્થાને બિરાજે છે.ે
છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓનું સરવૈયું
વર્ષ |
વિજેતા |
પક્ષ |
સરસાઈ |
1998 |
નિરંજન
પટેલ |
કોંગ્રેસ |
1,076 |
2002 |
સી.ડી.
પટેલ |
ભાજપ |
22,651 |
2007 |
નિરંજન
પટેલ |
કોંગ્રેસ |
3,531 |
2012 |
નિરંજન
પટેલ |
કોંગ્રેસ |
12,192 |
2017 |
નિરંજન
પટેલ |
કોંગ્રેસ |
10,644 |
જ્ઞાાતિ આધારિત મતદારો
પાટીદાર |
32500 |
બ્રાહ્મણ |
28500 |
ક્ષત્રિય |
77500 |
ઠાકોર |
37500 |
તળપદા |
15000 |
દલિત |
9100 |
મુસ્લીમ |
32500 |
અન્ય |
6702 |