નડિયાદ શહેરમાં માઈ મંદિર રેલવે ગરનાળાની સફાઈ ના કરાતા હાલાકી
- કમોસમી વરસાદ બંધ થયાને 3 દિવસ વિત્યા છતાં
- પાણી ઓસર્યા બાદ કાદવ-કિચડના થર જામી જતાં સ્થાનિકોમાં રોષ
સમગ્ર રાજ્યની સાથે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ થતાં નડિયાદ શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. આ ગરનાળાઓમાં ભારે કાદવ કિચડના થર જામ્યા છે. જેના કારણે લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ત્રણ ત્રણ દિવસ થવા છતાં હજુ સુધી કાદવ કીચડની સાફ સફાઈ કરવામાં આવ્યો નથી.
તેમાં શહેરના માઈ મંદિરમાં દર્શન માટે લોકોની ભારે અવર જવર રહે છે, ત્યારે ગરનાળામાં કાદવ કીચડ ના થર ઠગલા જામ્યા હોઇ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ગરનાળામાં પગ ન મુકાય એ હદે કાદવ કીચડ હોવા છતાં પાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. માઈ મંદિર ગરનાળામાં બારે માસ ગટરના ગંદા પાણી ભરાયેલા જોવા મળે છે. આ ગરનાળામાં પમ્પિંગ રૂમ નીચે ભરાયેલા પાણીના નિકાલ માટે લોખંડની જાળી મૂકવામાં આવી છે. આ જાળી નીચે ઉતારવામાં આવે તો ગરનાળામાં ભરાઈ રહેતા પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.
ત્યારે પાલિકા તંત્ર દ્વારા ત્રણ ત્રણ દિવસથી જામેલા કાદવ કીચડ દૂર કરવામાં ન આવતા સ્થાનિક રહિશો પાલિકા તંત્ર સામે ધૂંઆપૂંઆ થયા છે. પાલીકા સત્તાધિશો દ્વારા તાત્કાલિક રેલવે ગરનાળાઓમાં ભરાયેલા કાદવ કીચડ દૂર કરવા માંગ ઉઠી છે.