મહુધાના ખલાડી ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરને અઠવાડિયાથી તાળાં
- હેલ્થ અને વેલનેસ સેન્ટર શોભાના ગાંઠિયા બન્યા
- એક તરફ જિલ્લામાં રોગચાળાનો વાવર તો બીજી તરફ ગામડાઓમાં આરોગ્ય સુવિધામાં બેદરકારી
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ તાલુકા મથક મહુધા સહિત તાલુકાના અનેક ગામના લોકો રોગચાળાના વાવરમાં સપડાયા છે. જિલ્લાની ટીમો વડથલમાં એપેડેમિક કાર્યવાહી માટે આજે આવી છે. ત્યારે ખલાડી ખાતે આવેલા આરોગ્ય મંદિરને તાળા લટકતા જોવા મળ્યા છે. ગામના અરવિંદભાઈ ભોજાણીએ જણાવ્યું છે કે, એક સપ્તાહથી કચેરીમાં કોઈ આવતું નથી અને આયુષ્માન આરોગ્ય મંદિરને તાળા જ મારેલા જોવા મળી રહ્યા છે.
મહુધાના ચુણેલ પીએચસીના તાબામાં આવતા આ આરોગ્ય કેન્દ્રમાં ભારે લાલિયાવાડી ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં એક માત્ર આરોગ્ય મંદિરની સેવા મેળવવાને બદલે નાગરિકો ખાનગી દવા કરાવવા મજબૂર બન્યા છે. હેલ્થ અને વેલનેસ સેન્ટરના બોર્ડ મરાયા છે પણ આધુનિક વ્યવસ્થામાં અધિકારીઓ અને કર્મચારીઓ ફરજો ચૂકતા હોવાના લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.