ઠાસરામાં શોભાયાત્રા નીકળ્યા બાદ 51 અને 151 દીવડાની મહાઆરતી ઉતારાઈ
- સવારથી બજાર સ્વયંભૂ બંધ રહ્યું
- ટાવરથી શેઠવાળા જતા કરિયાણાની દુકાનમાં ફટાકડાથી આગ લાગી પણ ત્વરિત બુઝાવી દેવાઈ
ઠાસરા નગરમાં આજે સવારથી સ્વયંભૂ બજાર બંધ રહ્યું હતું. આજે સવારે હનુમાનજીના મંદિરેથી શોભાયાત્રા આખા નગરમાં દરેક હિન્દુ વિસ્તારોમાં નીકળી હતી. બપોરે ૧ વાગ્યે શોભાયાત્રા આશાપુરી માતાના મંદિરે આવી હતી. જ્યાં ૫૧ દીવડાની આરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રા અને આરતીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. સોમવારે સાંજે ઠાસરા આશાપુરી મંદિરે સાંજે ૧૫૧ દીવડાની આરતી અને આતસબાજીનું પણ આયોજન કરાયું હતું.
ઠાસરા નગરના ટાવરથી શેઠવાળા જતા એક ખાનગી કરિયાણાની દુકાનમાં ફટાકડા ફોડતા તણખો ઉડીને પ્લાસ્ટિકના કાગળ ઉપર પડતા આગ લાગી હતી. ત્યારે ઠાસરા નગરપાલિકાના ફાયર બ્રિગેડે ત્વરિત આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેમાં જાન માલનું નુકસાન થવા પામેલ નથી.
ઠાસરા નગરના તીન બત્તી, મોટા સૈયદવાળા, મલેકવાળા, નાના સૈયદવાળા, એસટી ડેપો અને મુસ્લિમ વિસ્તારોમાં ઠાસરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો હતો.