ડાભસરથી કોસમના રસ્તા ઉપર સ્થાનિકો પાણી ઢોળતા હાલાકી
- રોડના વળાંક પર મોટા ખાડાં પડી ગયા
- ખાળકૂવો બનાવવાનું કહેવા છતાં માનતા નથી ગ્રામ પંચાયત બે દિવસમાં નોટિસ ફટકારશે
ગળતેશ્વર તાલુકાના ડાભસરથી કોસમ ગામના રસ્તાના વળાંકમાં મોટા ખાડામાં પાણી ભરાઈ રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આસપાસમાં રહેતા લોકો ઘર વપરાશનું પાણી ખાળ કૂવામાં સંગ્રહ ન કરી રસ્તા ઉપર જ વહેવા દેતા હોવાના લીધે આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયત હસ્તકના આ રોડ ઉપર પાણીના ભરાવાના લીધે મોટા ખાડા પડી ગયા છે. આ અંગે સરપંચ, તલાટી સહિત ગ્રામજનોએ અનેક વખત સ્થાનિકોને ટકોર કરવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાના કારણે હાલ રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે.
કોસમ સહિત આઠ જેટલા ગામોમાં મૃત્યુ પ્રસંગે મૃતકને ટ્રેક્ટરમાં લઈ જતા સ્વજનો પણ અહીંથી પસાર થતા હાલાકી ભોગવી રહ્યા છે. દૂધ મંડળીમાં દૂધ ભરવા જતી વખતે પણ ભારે મુશ્કેલી પડે છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી કે કોસમ ગામના સરપંચ દ્વારા રસ્તા ઉપર વહેતુ ગંદૂ પાણી ત્વરિત અટકાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કોસમના સરપંચ પ્રભાતભાઈ બબુભાઇ ખાંટે જણાવ્યું હતું કે, સ્થાનિક વ્યક્તિને અવાર નવાર મૌખિક રજૂઆત રસ્તા ઉપર પાણી ના જાય એ માટે મોટો ખાડો પણ બનાવી આપવાની વાત કરી છે. છતાં કોઈનું માનવા જ તૈયાર નથી. એક બે દિવસમાં તલાટી અને સરપંચ જાહેર રસ્તા ઉપર પાણી ના કાઢવાની નોટિસ ફટકારવાની તૈયારી કરાશે તેવું જણાવ્યું છે.