નડિયાદ મંજીપુરા રિંગરોડ પર કચરાના ઢગલાંથી સ્થાનિકો પરેશાન
- ગંદા કચરાના લીધે અસહ્ય દુર્ગંધથી લોકો ત્રસ્ત
- શહેરમાં આડેધડ કચરો ઠાલવવાના લીધે રખડતા પશુઓ કચરો ફંગોળતા હોવાથી ભારે હાલાકી
નડિયાદ ડાકોર રોડથી બિલોદરા ચોકડી મંજીપુરા, કમળા ચોકડી થઈ ડભાણ નેશનલ હાઇવેને જોડતો રિંગ રોડ પસાર થાય છે. આ રિંગ રોડ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. આ રોડ પર સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. ત્યારે મંજીપુરા રોડ પર ગંદકી કચરાના ઢગલા ખડકાયા છે.
આ વિસ્તારમાં આવેલી દુકાનના વેપારીઓ તેમજ સ્થાનિક રહીશો કચરાપેટીમાં કચરો નાખવાને બદલે આડેધડ ગંદો કચરો ઠાલવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયાં છે. આ ગંદકીમાંથી માથું ફોડી નાખે તેવી દુર્ગંધ આવી રહી છે.
આ ઉપરાંત રખડતા પશુઓ ખોરાકની શોધમાં કચરો વેરવિખેર કરતા હોઇ મંજીપુરા રોડ પર કચરાનું સામ્રાજય વ્યાપ્યું છે.
આ કચરાના ઢગલા ઉપાડવામાં સંબંધિત સત્તાધિશો ભારે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. ત્યારે સત્વરે કચરાનો નિકાલ કરવા માંગ ઉઠી છે.