ખેડા જિલ્લામાં બંધને નહિવત્ પ્રતિસાદ : નડિયાદ શહેરમાં રેલી
- કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું
- સમસ્ત અનુસૂચિત સમાજના લોકો સંવિધાન બચાવોના નારા સાથે કલેક્ટર કચેરીએ દોડી આવી રજૂઆત કરી
બુધવારે ભારત બંધના એલાન સંદર્ભે નડિયાદમાં અનુસૂચિત સમાજના લોકો ભેગા મળીને સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં અધિક ચીટનીશને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું છે કે, એસ.સી., એસ.ટી. અનામત કેટેગંરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા ૧/૮/૨૦૨૪નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેચનો ચૂકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચૂકાદાને બહાલ કરવામાં આવે. એસ.સી., એસ.ટી. કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઇ છે. તેને અલગથી ઈ.ડબલ્યુ.એસ. જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે. એસ.સી., એસ.ટી. બંધારણીય અનામત જોગવાઈ 'પ્રતિનિધિત્વ' જે બંધારણની ૯મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્વેશ રાજકીય લાભ આપવા કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે. એસ.સી., એસ.ટી. કેટેગરીની ગરીબ જ્ઞાાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે.