નરસંડા ચોકડી પાસેથી ટ્રકમાંથી 42.62 લાખનો દારૂ ઝડપાયો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
નરસંડા ચોકડી પાસેથી ટ્રકમાંથી 42.62 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- ખેડા-આણંદ નેશનલ હાઇવે પરથી

- પોલીસે ટ્રકમાં સવાર બે રાજસ્થાનના શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી

નડિયાદ : ખેડા આણંદ નેશનલ હાઇવે પર આવેલ નરસંડા ચોકડી પાસેથી વડતાલ પોલીસે બાતમી આધારે વડોદરા તરફથી આવતી એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે રાજસ્થાની ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૩૬ હજાર કિંમત રૂ.૪૨.૬૨ લાખનો જથ્થો કબજે કરતા જિલ્લાના પ્રોહીબિશન બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ સંદર્ભે પોલીસે વિદેશી દારૂ, ૧ મોબાઈલ ફોન તથા ટાટા ટ્રક સહિત કુલ રૂ.૬૨,૬૮,૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આગામી સમયમાં નવરાત્રી તથા દિવાળીના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં દારૂની બદિને નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી હતી. 

જે સંદર્ભે વડતાલ પોલીસ ચોકીના પી.આઇ આર.કે.પરમાર તથા હે.કો.કનકસિંહ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળેલ કે વડોદરા તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી આધારે પોલીસ નરસંડા ચોકડી પાસે વોચમાં ઉભી હતી. દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી રોડની સાઈડે ઉભી રખાવી હતી. 

પોલીસે ટ્રકમાં બેઠેલા બે ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ પ્રિતિભવરસિંગ યાદવ (રહે.જમના લાલ બજાજ માર્ગ દ્વારકાપુરી, જયપુર ,રાજસ્થાન) તથા બીજા ઈસમે પોતાનું નામ કિશોરકુમાર મીણા (રહે.લોસલ તા.જી.સીકર ,રાજસ્થાન) એ બલવીરસિંહ મોહન રામ જાટ હોવાનું જણાવ્યું હતું. 

આ સંદર્ભે પોલીસે ટ્રકની તલાસી કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૩૬ હજાર, કિંમત રૂ.૪૨.૬૨ લાખ, ૧ મોબાઈલ ફોન તથા ટ્રક સહિત કુલ રૂ.૬૨,૬૮,૨૮૦ નો મુદ્દામાલ કબજે કરતા જિલ્લા પ્રોહિબિશન બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડતાલ પોલીસે આ સંદર્ભ ટ્રક માલિક પ્રિતિભવરસિંગ યાદવ, મુકેશ સેવદા તથા પકડાયેલ ઈસમો બંસીધર કાનારામ મીણા, બલવીરસિંહ મોહનરામ જાટ તમામ (રહે-રાજસ્થાન) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News