નડિયાદમાં દીકરી સાથે અધમકૃત્ય કરનાર પિતાને આજીવન કેદ
- માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો
- પાંચેક વર્ષ કેસ ચાલ્યા બાદ આખરે દિકરીને ન્યાય મળ્યો, પિતાને 1.80 લાખનો દંડ પણ કરાયો
આ સમગ્ર મામલો નડિયાદ પોક્સો કોર્ટમાં ૨૦૧૮થી ચાલતા એક કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમાં આરોપી પિતાએ તેની જ દિકરી સાથે અદ્યમ કૃત્ય કર્યુ હતું તેની સામે પોક્સોની ફરીયાદ દાખલ થઈ હતી .અને આ મામલે નડિયાદ પોક્સો કોર્ટે આરોપી પિતા ધવલ દલવાડીને આજીવન કેદની સજા ફટકારી હતી.
સાથોસાથ તેને ૧.૮૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૧૮માં એસ.ટી.નગર સામેની એક સોસાયટીમાં રહેતી શિક્ષિકાએ પોતાના જ પતિ ધવલ દલવાડી, સસરા યોગેશ દલવાડી, સાસુ જયશ્રી બેન, માસી જાગૃતિ પ્રજાપતિ અને માસીના મિત્ર રમણ પટેલ સામે નડિયાદ ટાઉન મથકે ૩૦ ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે ફરીયાદ આપી હતી. આ ફરીયાદ મુજબ નડિયાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એસ.ટી. નગરની સામેની એક સોસાયટીમાં રહેતા પરિવારની માસુમ બાળકી ઉપર તેના ૨૯ વર્ષીય પિતાએ પ્રથમ વાર છ એક મહિના અગાઉ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિકરીની માતા અમદાવાદ રહેતી હોય અને ચુણેલ ખાતે પોતાની નોકરી માટે અપડાઉન કરતી હતી. નવરાત્રીના વેકેશન દરમિયાન તેણે પોતાના પતિ ધવલ દલવાડીને દિકરીને અમદાવાદ લઈ આવવા જણાવ્યુ હતુ.
જ્યાં લઈ ગયા બાદ દિકરીને નવડાવતી વખતે લોહી પડતુ જોઈ માતા ચિંતામાં મુકાઈ હતી. જ્યાં પોતાના પતિને દિકરીને લઈ સારી હોસ્પિટલમાં જવાનું જણાવ્યુ હતુ. જો કે, પતિ તેની આ વાતની અવગણના કરતો હતો. ત્યારબાદ પત્નીએ આ અંગે ભાર આપી દબાણ કરતા પતિએ સચ્ચાઈ સ્વીકારી હતી અને પોતાની જ દિકરી પર પિતાએ કરેલા કુકર્મોની પત્નીને જાણ કરી હતી. જેમાં આ ગુનામાં બાળકીના દાદા-દાદી, માસી અને અન્ય એક વ્યક્તિની પણ સંડોવણી હોવાનું જણાવ્યુ હતુ.
જે અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલે આજે કોર્ટે આરોપી ધવલ દલવાડીને આજીવન કેદ અને ૧ લાખ ૮૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય ૪ આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.