ખેડા શહેરમાં ઘરથાળની જમીનમાં છાપરું બાંધનારા સામે લેન્ડગ્રેબિંગ
- પડોશીએ અવારનવાર ગેરકાયદે બાથરૂમનું છાપરું દૂર કરવા કહ્યું છતાં બાંધકામ હટાવ્યું જ નહીં
ખેડા મોટા સૈયદ વાડામાં રહેતા નિલોફરબાનું મકસુદભાઈ સૈયદે ૨૦૧૨માં આંબલીયા ભાઠા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ સોમાભાઈ વાઘેલાની જમીન સીટી સર્વે નંબર ૩૦૪૨ વેચાણ લીધી હતી.
જેનો વેચાણ દસ્તાવેજ તા.૧૩/૧૨/૨૦૧૭ના રોજ ખેડા સબ રજીસ્ટાર કચેરીમાં કરાવ્યો હતો. આ જમીનની બાજુમાં આવેલા સીટી સર્વે નંબર ૩૦૪૩ નટુભાઈ ઉકાજી મારવાડીએ ગીરો જમીન રાખી છાપરૂ બાંધ્યું હતું. બાદમાં ૨૦૧૮માં બાજુમાં આવેલા મકસુદભાઈ સૈયદના સીટી સર્વે નંબર ૩૦૪૨ના ઘરથાળ જગ્યામાં નટુભાઈ મારવાડીએ બાથરૂમ છાપરું બાંધી ગેરકાયદે બાંધકામ કરી કબજો જમાવ્યો હતો. ત્યારે મકસુભાઈ સૈયદે અવારનવાર રજૂઆત સાથે છાપરું હટાવવાનું કહેતા નટુભાઈ મારવાડીએ બાંધકામ દૂર કરવાની ના પાડી હતી. જેથી તેઓએ કલેક્ટર કચેરી ખેડામાં તા.૧/૨/૨૦૨૪ના રોજ અરજી આપી હતી. જેને ધ્યાનમાં લઇ કલેકટર કચેરી ખેડા દ્વારા તા.,૨૮/૧૦/૨૦૨૪ના રોજ ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આ હુકમના આધારે નિલોફરબાનુ મકસુદ સૈયદે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નટુભાઈ ઉકાજી મારવાડી સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.