આજે ડાકોરમાં કાર્તિકી પૂનમે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટશે
- ભગવાન રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવશે
- રવિવારે વરસાદ વચ્ચે લાખો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા
ડાકોર : ડાકોરના રણછોડરાયજી મંદિરામાં આજે સોમવારે કાર્તિકી પૂનમે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સવારે ૪ઃ૩૦ કલાકે મંગળા આરતી થશે. ૭ઃ૪૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ બપોરે ૩ થી ૫ દર્શન ખુલ્લા રહેશે. સાંજે ૫ઃ૩૦ કલાકે ઉત્થાપન આપરતી કરાશે, નિત્યક્રમ મુજબ શયનભોગ, સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
સવારે ભગવાનને ત્રણ ભોગ ભેગા ધરાવીને મોટો રત્નજડિત મુગટ ભગવાન રણછોડજીને ધારણ કરાવવામાં આવશે.
પૂનમ પહેલા રવિવારે સવારે ડાકોરમાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ડાકોરના માર્ગો પર ઠેરઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતા. દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદમાં ભીંજાઇને પણ ભગવાન રણછોડજીના દર્શન કર્યા હતા.