કપડવંજના વોર્ડ નંબર-2 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
- સત્વરે સમસ્યાના ઉકેલની માંગ
- ગટર, દુષીત પાણીના પ્રશ્ને રજૂઆત છતાં પાલિકા મૂકપ્રેક્ષક હોવાના કાઉન્સિલરના આક્ષેપ
કપડવંજ : કપડવંજ વોર્ડ નં.૨માં ઉભરાતી ગટરો, પીવાનું દુષિત પાણી, કચરાના ઢગલાં સહિતની સમસ્યાઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ અંગે વોર્ડના કાઉન્સિલર દ્વારા પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ના હોવાનું કાઉન્સિલરે આક્ષેપ લગાવ્યા છે. તેમજ સમસ્યાના સત્વરે ઉકેલની માંગ કરી છે.
કપડવંજ વોર્ડ નં-૨ની મહિલા કાઉન્સિલર કુરેશી સૈયદાબીબી જાબીર હુશેને જણાવ્યું હતું કે, બંગડીવાળી મસ્જિદની સામે મચ્છી મહોલ્લા ઘાંચીવાડા અમન બંગલા અસ્ફાક સોસાયટીમાં ગટર ઉભરાય છે. તેમજ પીવા માટેનું ગંદુ પાણી આવે છે. ઉપરાંત મહંમદ અલી ચોકની બાજુમાં માલીવાડ કાંસકીવાડ નજીક ઘણા લાંબા સમયથી કચરાનો ઢગલો છે. વારંવાર ચીફઓફિસર સમક્ષ લેખીત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું ના હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ નગરપાલિકા લાંબા સમય સુધી કર્મચારીઓ નો પગાર પણ થતો નથી હોવાનું જણાવ્યું હતું. વિકાસના કામોમાં બંગાળીવાડ મસ્જિદથી કાચના કારખાના મકકી મસ્જિદ સુધી ગટરનું ટેન્ડર મંજૂર થઈ છે. તેમજ ગોરવાડામાં સીસી રોડ તેમજ વોર્ડ નં.૨માં અનેક વિસ્તારમાં વર્ક ઓર્ડર આપ્યા છતાં કોઈ કામ કરવામાં આવ્યા ના હોવાના આક્ષેપ કાઉન્સિલરે લગાવ્યા હતા. આ અંગે વોર્ડ નં-૨ના વિકાસના કામો મંજુર થયેલા છે તે ઝડપી પુરા કરી નાગરિકોને સુવિધા મળી રહે તે સાથે પીવાનું પાણી નિયમિત નિયત સમયે તેમજ મહંમદ અલી ચોકથી ઘાંચીવાડા મસ્જિદ સુધી અવારનવાર થતુ ં લીકેજ બંધ કરવા તમામ સુવિધાઓ મળી રહે તેવી માંગ કરી હતી.