તાલપોડાના પેટાપરા રામપુરા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
- 108 સેવા આવી ન શકતા ગ્રામજનોને હાલાકી
- અત્યાર સુધી રસ્તો બન્યો જ નથી : શાળા ન હોવાથી બાળકો દૂર ભણવા જવા મજબૂર
કપડવંજ તાલુકાના તાલપોડાના પેટાપરા રામપુરા ગામ ખેડા જિલ્લાની સરહદે આવેલું અંદાજે ૫૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. અત્યાર સુધીમાં ગામમાં એકથી દોઢ કિ.મી. રસ્તો બન્યો જ નથી. ઉપરાંત ગામમાં આજદિન સુધી ૧૦૮ આવી નથી કે આવી શકે તેમ નથી.
જેના કારણે અત્યાર સુધીમાં દશ જેટલી બિમાર વ્યક્તિ મોતને ભેટી હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ગામમાં પ્રાથમિક શાળા ન હોવાથી બાળકો બે કિ.મી. દૂર જવા મજબૂર બન્યા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે કલેકટર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતના સરપંચને ગ્રામજનોએ રજુઆત કરી હતી પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ આ ગામની પાયાની સુવિધાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠી છે. ગામ ત્રણ દીશામાં વાત્રક, માઝુમ નદીથી ઘેરાયેલું હોવા છતાં આસપાસ કોઈ રસ્તો પણ નથી. ગામમાં આઝાદી કાળથી રસ્તો બનાવાયો જ નથી તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે મહિલા સરપંચના સસરા બાબુભાઈએ જણાવ્યું હતું કે, પઠાણના મકાન સુધી રસ્તો બનાવ્યો છે. જે લોકો રહે છે તે ગામતળ છે માટે બનાવ્યો નથી.