ખેડા તાલુકા, વસોમાં 2 ઇંચ વરસાદ, નડિયાદમાં 1 ઇંચ વરસાદ થયો
- માતરમાં 4 ઇંચ વરસાદ ખેડામાં સાર્વત્રિક મેઘમહેર
નડિયાદ : ખેડા જિલ્લામાં બુધવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મેઘમહેર વરસી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થયો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ માતર તાલુકામાં નોંધાયો હતો. નડિયાદ શહેરમાં પણ દિવસ દરમિયાન સામાન્ય વરસાદ પડયો હતો.
નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે બુધવારે સામાન્ય વરસાદ થયો હતો. સવારથી જ વાદળ છાયા વાતાવરણ બાદ છુટા છવાયા વરસાદી ઝાપટા થયા હતા. જોકે માતર તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડા તાલુકામાં ૫૧ મીમી જ્યારે નડિયાદમાં ૨૮ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહુધામાં ૧૪, જ્યારે મહેમદાવાદમાં ૩૫ અને વસો તાલુકામાં ૬૦ મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ બાદ પણ ગરમી અને ઉકળાટથી રાહત ન થતા લોકો પરેશાન થઈ ગયા છે.