આજે ખેડા લોકસભા બેઠકના જનપ્રતિનિધી નક્કી થશે, રાજકિય પક્ષોમાં ભારે ઉત્સુકતા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
આજે ખેડા લોકસભા બેઠકના જનપ્રતિનિધી નક્કી થશે, રાજકિય પક્ષોમાં ભારે ઉત્સુકતા 1 - image


- ખેડા લોકસભા બેઠકની મતગણતરી પલાણા આઇટીઆઇ ખાતે હાથ ધરાશે

- મતગણતરી 9 કાઉન્ટિંગ હોલમાં કરાશે, 11.61 લાખ મતો 12 ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે

નડિયાદ : અઢી મહિના સુધી ૭ તબક્કામાં થયેલી લોકસભા ચૂંટણીના મંગળવારે પરીણામ આવશે. જેમાં ખેડા લોકસભા બેઠક પર ૧૧.૬૧ લાખ મતદારો દ્વારા અપાયેલા પવિત્ર મતની પણ ગણતરી થશે. આ મતપેટીઓ ખુલતા જ ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે જ હોવાથી બંને તરફના ઉમેદવારોએ જીતનો આશાવાદ કર્યો છે. ત્યારે હવે આજે ઇવીએમ ખુલતા જ પરીણામની ખબર પડશે.

લોકસભા ચૂંટણી દરમિયાન રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના એક વિવાદીત નિવેદને ક્ષત્રિય સમાજને આહત કર્યો હતો. આ નિવેદનથી નારાજ થયેલા ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આ વચ્ચે ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ પૈકી ખેડા લોકસભા બેઠક પર પણ મતદાન થયું હતું. ક્ષત્રિયોની નારાજગી વચ્ચે ક્ષત્રિય બાહુલ ખેડા લોકસભામાં ૧૧.૬૧ લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે આ મતોની ગણતરી થશે, તેમાં કોંગ્રેસને ક્ષત્રિય આંદોલનનો લાભ થાય તેવો આશાવાદ છે. બીજી તરફ ભાજપ પક્ષ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે અને મતગણતરી પહેલા જ વિજયોત્સવ મનાવવાની તમામ તૈયારીઓ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંનેના આ જીતના દાવા વચ્ચે આજે ઈ.વી.એમ. ખુલતા જ તેમના ભાવિનો ફેંસલો થશે. 

ખેડા લોકસભા બેઠકની વસો તાલુકાના પલાણા આઈટીઆઈ ખાતે ૧૧.૬૧ મતદારોની મતગણતરી યોજાનાર છે. ત્યારે મતગણતરી કેન્દ્ર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મંગળવારે સવારે ૮ના ટકોરે આ મતગણતરી શરૂ થનાર છે. સૌપ્રથમ ઈલેક્ટ્રોનીકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલટ સિસ્ટમ (ઈટીપીબીએસ)ના સ્કેનીંગ, પોસ્ટલ બેલેટની ગણતરી અને ઈ.વી.એમની મતગણતરી કરવામાં આવશે.  તથા વીવીપેટની સ્લીપની ગણતરી ઇ.વી.એમની ગણતરી બાદ શરૂ કરવામાં આવનાર છે. કુલ ૭ વિધાનસભા મતવિભાગના ૭ કાઉન્ટીંગ હોલ તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૨ કાઉન્ટીંગ હોલ કાઉન્ટીંગ સેન્ટર આઈ.ટી.આઈ પલાણા ખાતે તૈયાર કરવામાં આવેલા છે. દરેક વિધાનસભા મતવિભાગમાં વિધાનસભાદીઠ કુલ ૧૪ ટેબલ પર ઈ.વી.એમની મતગણતરી કરવામાં આવશે. જેમાં ૧ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૧ માઇક્રો ઓબ્ઝર્વર, ૧ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મળી કુલ ૨૯૪ તથા ૩૦ રીઝર્વ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. પોસ્ટલ બેલેટની ગણતરી માટે કુલ ૨૪ ટેબલ બનાવવામાં આવેલ છે. જેમાં ૧ એ.આર.ઓ, ૧ માઇક્રો ઓબ્ઝર્વર, ૧ કાઉન્ટીંગ સુપરવાઇઝર, ૨ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મળી કુલ ૧૨૦ તથા ૧૨ રીઝર્વ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. 

ઈટીપીબીએસની ગણતરી માટે ૧ એ.આર.ઓ, ૧ સુપરવાઇઝર તથા ૪ કાઉન્ટીંગ આસીસ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે.

આઈટીઆઈના જુદા-જુદા માળે વિધાનસભા મુજબ મતગણતરી કરાશે

પલાણા આઈટીઆઈ ખાતે કુલ ૦૪ માળમાં વિવિધ રૂમ ખાતે મતગણતરી થનાર છે. જેમાં, પ્રથમ માળ, રૂમ નંબર ૧૦૩ ખાતે ૫૭-દસક્રોઈ, બીજો માળ રૂમ નં. ૨૦૨ ખાતે ૫૮-ધોળકા, રૂ નં ૨૦૩ ખાતે ૧૨૦-કપડવંજત ત્રીજો માળ રૂમ નં ૩૦૨ ખાતે ૧૧૫-માતર, રૂમ નં ૩૦૩ ખાતે ૧૧૭-મહેમદાવાદ, ચોથો માળ રૂમ નં ૪૦૨ ખાતે ૧૧૬-નડિયાદ અને રૂમ નં ૪૦૩ ખાતે ૧૧૬-મહુધા વિધાનસભા બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. વધુમાં, પ્રથમ માળ ખાતે રૂમ નં. ૧૦૨ ખાતે પોસ્ટલ બેલટ મતગણતરી કરવામાં આવશે.


Google NewsGoogle News