mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન 71 કિ.મી. લાંબી મહી કેનાલમાં ગાબડાં

Updated: Jun 29th, 2024

ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન 71 કિ.મી. લાંબી મહી કેનાલમાં ગાબડાં 1 - image


- 66 વર્ષ જૂની કેનાલ જર્જરિત છતાં તંત્રના આંખ આડા કાન 

- ધોવાણ થતું અટકાવવા માટીની બોરીઓ મૂકી સિંચાઈ વિભાગે કામગીરીનો સંતોષ માન્યો : આચારસંહિતાના લીધે કેનાલનું સમારકામ ના કરાવી શક્યાનો તંત્રનો દાવો

નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વરમાંથી પસાર થતી ૬૬ વર્ષ જૂની મહી કેનાલ જર્જરિત બની છે. ૭૧ કિલોમીટર લાંબી આ કેનાલ હજારો ખેડૂતો માટે જીવાદોરી સમાન છે તેમછતાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું સમારકામ કરાવવામાં દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૂંટણીના કારણે સમારકામ કરાવી શક્યા ના હોવાથી જે સ્થળે કેનાલ તૂટી ગઈ છે કે ગાબડા પડી ગયા છે ત્યાં માટીની ગુણો મુકી કામગીરી કર્યાનો સંતોષ તંત્ર માની રહ્યું છે. 

ચરોત્તરમાં ખેતીની સમૃદ્ધિ માટે વર્ષ ૧૯૫૮માં બનેલી મહી કેનાલ ઠાસરા, ગળતેશ્વર સહિત આણંદના કેટલાક તાલુકાઓ માટે જીવાદોરી સમાન છે. અંદાજે ૭૧ કિલોમીટર લાંબી કેનાલ ખેડૂતોને પાણી પહોંચાડવા માટેનો ખૂબ મોટો વિકલ્પ છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ કેનાલ જર્જરિત બની છે. 

કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડયાં છે તથા કેટલોય ભાગ તૂટી પડયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જે સ્થળે કેનાલ તૂટી ગઈ છે, ત્યાં માટીની બારીઓ મૂકી, મરામત કરીને ગાબડાં પુર્યાં છે. ત્યારે આટલી લાંબી કેનાલમાં પાણીનો પ્રવાહ આવ્યા બાદ આ માટીની ગુણો તેના ફોર્સમાં ટકી શકશે કે કેમ તે અંગે સવાલો ઉઠયા છે. 

વર્ષોથી જર્જરિત બનેલી કેનાલના સમારકામ અંગે સિંચાઈ વિભાગ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો સહિતના ગ્રામજનોમાંથી ઉઠી રહ્યાં છે. ભારે વરસાદને લઈ જો કેનાલમાં મોટુ ગાબડું પડે તો આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય ખેડૂતોને સેવાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા, બારમાસી કેનાલ હોવાનું તથા આચારસંહિતાના કારણે સમારકામ થઈ શક્યું ના હોવાનું જણાવવામાં આવતા સિંચાઈ વિભાગની ઢીલી નિતિના લીધે સમારકામ થઈ શક્યું ના હોવાના આક્ષેપ લાગ્યા છે. 

આ અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.એ.પરમારે જણાવ્યું હતું કે, આ કેનાલ બારમાસી છે, જેથી તેની મરામત માટે માત્ર બે મહિના મળે છે. આ વખતે એ સમય મળ્યો હતો પરંતુ ચૂંટણી હોવાથી આચારસંહિતાના લીધે અમે ટેન્ડર કરાવી શક્યા નહતા. હવે સમય ઓછો હોવાના કારણે જાતે જ માટીની ગુણો મૂકી કેનાલને સુરક્ષિત બનાવી રહ્યાં છીએ. 

વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ જે-તે અધિકારીઓ દ્વારા કેનાલ જ્યાં જ્યાં જર્જરિત હતી ત્યાં કોંક્રેટ લાઈનિંગ કરી સમારકામ કર્યું હતું. પરંતુ આ કેનાલ ૬૫ વર્ષ જૂની હોવાના કારણે હવે તે નવી કરવાની જરૂરત છે. આ કેનાલને નવી બનાવવા માટે અમે ઉચ્ચકક્ષાએથી બજેટની માંગણી કરી છે. હાલ ઠાસરા સબ ડિવિઝનમાં જ્યાં કેનાલ જર્જરિત છે, ત્યાં રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 

Gujarat