વસોના બામરોલીમાં 20 ગ્રામજનોને બચકાં ભરી કપીરાજે આતંક મચાવ્યો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
વસોના બામરોલીમાં 20 ગ્રામજનોને બચકાં ભરી કપીરાજે આતંક મચાવ્યો 1 - image


- અગાઉ 5 વાનરોને દૂર છોડી મૂકાયા હતા

- 5 દિવસથી ગામમાં તોફાને ચઢેલા વાનરોને વન વિભાગ ત્વરિત પાંજરે પૂરે તેવી માંગણી

નડિયાદ : વસો તાલુકાના બામરોલી ગામમાં ફરી વખત છેલ્લા ચાર પાંચ દિવસથી કપીરાજ તોફાને ચડયા છે. કપીરાજે ૨૦ જેટલા લોકોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. ત્યારે આ તોફાની વાનરને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવા માંગણી ઉઠવા પામી છે.

વસો તાલુકાના બામરોલી ગામમાં અગાઉ તોફાની વાનરે આતંક મચાવતા વન વિભાગની ટીમે પાંચ જેટલા વાનરોને પકડી દૂરના સ્થળે છોડી મૂકાયા હતા. છેલ્લા ચાર પાંચ દિવસથી ફરીથી વાનરો તોફાને ચડયા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે, તોફાની વાનર ગામમાંથી ખેતરમાં જતા કે શાળામાં જતા બાળકો પર હુમલા કરી દે છે. 

ગામની શાળાથી મોટી કેનાલ વચ્ચેના વિસ્તારમાં આવતા જતા લોકોને તોફાની વાનર નિશાન બનાવે છે. આ તોફાની વાનરે ૧૫થી ૨૦ જેટલા લોકોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. તોફાની વાનરે બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયેલા હુમલાનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પલાણા તેમજ નજીકના દવાખાનામાં સારવાર કરાવવામાં આવી છે. 

ગામમાં તોફાને ચડેલા વાનર આવતા જતા લોકો પર પણ હુમલા કરતો હોવાથી લોકો ખેતરમાં તેમજ શાળામાં જતા બાળકોની સલામતી સામે જોખમ ઊભું થયું છે. આમ તોફાની વાનરે બામરોલી ગામને બાનમાં લેતા લોકો ફફડી ઉઠયા છે. 

ત્યારે વન વિભાગની ટીમ દ્વારા તોફાની વાનરને પકડી પાંજરે પૂરવા ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

તોફાની વાનરના હુમલાના ઇજાગ્રસ્તોના નામ

બામરોલી ગામમાં તોફાની વાનરે બચકા ભરતા ઇજાગ્રસ્ત થયેલાના નામ આ મુજબ છે. જેમાં મહેન્દ્રભાઇ છોટાભાઈ શર્મા, પુનમભાઈ છોટાભાઈ શર્મા, રાજુભાઈ ચંદુભાઈ સોલંકી, નંદાબેન કિરીટભાઈ સોલંકી, રમીલાબેન ભરતભાઈ સોલંકી તેમજ બહુચર માતાવાળા ફળિયામાં ૪ લોકોને, શકુ ચોકડી રોહિતવાસમાં ૫ જેટલા લોકોને મળી ૨૦ જેટલા લોકો પર તેમજ એક ભેંસ પર હુમલો કરી કપીરાજે બચકા ભર્યા હતા.


Google NewsGoogle News