કે.ડી.સી.સી. બેંકના કેશિયરની રૂપિયા 1.10 લાખની ઉચાપત
- નડિયાદ ઘોડિયા બજારમાં આવેલી
- ખાતાધારકોએ જમા કરાવેલા નાણાંનો અંગત ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ
નડિયાદના ઘોડિયા બજારમાં આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાન્ચમાં યોગીનગર ગ્રામ પંચાયત સહિત ત્રણ ખાતાધારકોએ રકમ જમા કરાવી હતી. જેની સામે બ્રાન્ચના કેશિયર બળવંત હરિ મસાણી (રહે. બદરખા, જિ. અમદાવાદ)એ બેંકના સિક્કા સાથેની પહોંચ તેમને આપી હતી. દરમિયાન યોગીનગર ગ્રામ પંચાયત દ્વારા પાસબૂક ભરાવતા જમા કરાવેલી રકમની સામે પાસબૂકમાં ઓછા રૂપિયા જમા થયા હોવાનું દર્શાવાયું હતું. જેથી ગ્રામપંચાયતના ક્લાર્ક અને અન્ય બે ખાતેદારોએ બ્રાન્ચ મેનેજરને આ અંગે રજૂઆત કરી હતી.
આ અંગે બેંક દ્વારા તપાસ હાથ ધરાતા કેશિયર બળવંતે બાકીના રૂ. ૧,૧૦,૦૦૦ પોતાના અંગત કામ માટે વાપરી નાખ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી બેંક દ્વારા કેશિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમજ બ્રાન્ચ મેનેજર કમલેશભાઈ પુરોહિતે નડિયાદ શહેર પોલીસ મથકે કેશિયર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.