નડિયાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખના ત્યાં આઇટીના દરોડા
- ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોના ત્યાં સર્ચ ઓપરેશન
- એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રેવીટી કોમ્પ્લેક્ષની દુકાન, નેક્સસ ડેવલપર્સ અને અરમાન વિલામાં તપાસ હાથ ધરી
નડિયાદ : આજે બુધવારે ઇન્કમટેક્ષ વિભાગની ટીમે નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના એકમો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વહેલી સવારથી જ આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. મેઘરાજના નડિયાદ સ્થિત એશિયન ફૂડ સહિત તેમના નિવાસ પર અને અન્ય કેટલાય એકમો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના પગલે મોટા આથક ગોટાળા સામે આવે તેવી આશંકાઓ પ્રવર્તી રહી છે. નડિયાદ તાલુકાના ડભાણ નજીક એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. જેના માલિક કુમાર મેઘરાજ છે. કુમાર મેઘરાજ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ તેઓ શરૂઆતથી જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. સત્તાધારી પક્ષ સાથે ઘેરાબો હોવા છતાં તેમના એકમો પર આઈ.ટી.ના દરોડાએ અનેક ચર્ચાઓ જગાવી છે.
આજે વહેલી સવારથી જ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને નડિયાદના તેમના નિવાસ સ્થાન પર આઈ.ટી.ના અધિકારીઓએ તપાસ આદરી હતી. તો સાથે જ નડિયાદમાં અન્ય ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોમાંના ત્યાં પણ આઇટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સ્થળો પર દરોડા પડયા, તેમાં ગ્રેવીટી કોમ્પલેક્ષની દુકાનમાં, નેક્સસ ડેવલપર્સના અને અરમાન વિલામાં આઈ.ટી.ના અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે.
તો આ સાથે જ કુમાર મેઘરાજની આ એશિયન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં હળદર, મરચું, ધાણા જીરું આમલી વગેરે જેવા મસાલાનો વ્યાપાર છે. કુમાર મેઘરાજ આ મસાલાના વેપાર ઉપરાંત કેટલાય વ્યવસાય સાથે સંકળાયેલા છે. કુમાર મેઘરાજની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નો ગરમ મસાલો, હળદર અને મરચું જેવા મસાલા વિદેશમાં પણ વેચાઈ છે. આજે વહેલી સવારે ઇન્કમટેક્ષ વિભાગની રેડ તેમની આ ફેક્ટરીમાં પડી હતી તેમજ કંપનીના માલિક કુમાર મેઘરાજભાઈ મંજીપુરા રોડ પર આવેલ પોતાનો વૈભવી પેલેસ કુમાર પેલેસમાં રહે છે. તેમના આ વૈભવી બંગલા ખાતે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેને લઈને નડિયાદ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો આ લખાય છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગની ટીમ ફેક્ટરી તેમજ તેમના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું છે.